Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

હવે સરકારી યોજનાઓના લાભ લેવા માટે એક જ કાર્ડ

ર૦૧૯ ની ચૂંટણી પહેલા થઇ શકે છે જાહેરાતઃ મુસદ્‌્‌ો તૈયાર

નવી દિલ્‍હી તા. ૧૯ :.. સામાજીક સુરક્ષાની બધી યોજનાઓને ભેગી કરવાના ઉદેશથી સરકાર ટુંક સમયમાં મોટુ પગલું લઇ શકે છે. સરકાર તેના માટે એક સાર્વભૌમિક સામાજીક સુરક્ષા કાર્ડ બહારપાડશે. જેના દ્વારા લોકોને સામાજીક સુરક્ષા યોજનાઓનો લાભ અપાશે. સરકાર ર૦૧૯ ની ચુંટણી પહેલા તેને લાગુ કરવા માગે છે. સરકાર ઇચ્‍છે છે કે દેશભરમાં ચાલતી બધી સામાજીક સુરક્ષા યોજનાઓ દ્વારા અપાતા લાભના સાચા આંકડાઓ મળે. સાથે જ કોઇ પણ વ્‍યકિતને મળતા લાભ બે વાર ન મળે. આ ઉદેશથી સરકાર આ યોજના લાવી રહી છે.

યોજના અખિલ ભારતીય હશે

આની સાથે જોડાયેલ એક સુત્રએ કહ્યું કે દેશભરમાં એવા ઘણા લોકો છે જેને એકથી વધારે યોજનાઓનો લાભ મળી રહ્યો છે, જયારે એક પણ યોજનાનો લાભ ન મળતો હોય તેવા લોકો મોટી સંખ્‍યામાં છે. આ જ કારણે આ યોજના લાવવાની જરૂર પડી છે જે આખા દેશમાં એક સાથે લાગુ થાય અને બધી યોજનાઓ આના હેઠળ આવી જાય.

રાજયો વચ્‍ચે સહમતી

ગત દિવસોમાં દેશભરમાં આના માટે વ્‍યાપક ચર્ચા વિચારણા થઇ છે અને બધા રાજયો પણ સંમત થયા છે કે સામાજીક સુરક્ષા માટે પણ જીએસટીની જેમ એક કેન્‍દ્રિય માળખું બને જ કેન્‍દ્ર અને રાજય વચ્‍ચે મળીને પ્રભાવી રીતે કામ કરે. ટુંક સમયમાં અંતિમ દોૈરની બેઠક

 એક મહિનાની અંદર આ યોજના માટે શ્રમ મંત્રાલય ફાઇનલ મીટીંગ કરશે. આ મીટીંગમાં બધા હીત ધરાવતા, જેમ કે કર્મચારી સંઘ સાથે જોડાયેલા લોકો, રાજય અને કેન્‍દ્ર સરકારના પ્રતિનિધિઓ હાજર રહેશે.

શિયાળુ સત્રમાં ખરડો લાવવાની તૈયારી

 આવતી મીટીંગમાં બધી બાબતો પર ચર્ચા વિચારણા કરીને યોજનાના મુસદાને અંતિમ રૂપ આપી દેવાશે. ત્‍યાર પછી તેને કેબિનેટની મંજુરી માટે મોકલી અપાશે. સરકાર આના પર કાયદો બનાવવા માટે સંસદના શિયાળુ સત્રમાં જ ખરડો લાવશે.

લાભાર્થી કોણ?

 આ યોજના અંતર્ગત ત્રણ શ્રેણીઓ બનશે.

પહેલી : જેને સરકારી યોજનાના લાભની જરૂર નથી તેવા લોકો

બીજી : એવા લોકો જે પહેલાથી જ સીજીએચએસ અને ઇએસઆઇ જેવી યોજનાઓનો લાભ લઇ રહયા છે.

ત્રીજી : એવા લોકો જેને સરકારી મદદની જરૂર છે.

(11:42 am IST)