Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભારત-પાક. વચ્‍ચે મહાસંગ્રામ એશિયા કપમાં બે કટ્ટર હરીફો ટકરાશે

સાંજે ૫ વાગ્‍યાથી હાઇ-વોલ્‍ટેજ મેચ : ભારતે મેચ જીત્‍યો તો હોંગકોંગે જીત્‍યા દિલઃ મેચમાં ભારતનો વિજય પરંતુ હાંફી ગયુ

દુબઈ : ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે એક વર્ષના લાંબા ગાળા બાદ આજે સાંજે મહામુકાબલો રમાનાર છે ત્‍યારે ગઈકાલે ટીમ ઈન્‍ડિયાએ ક્રિકેટપ્રેમીઓને થોડા નિરાશ કર્યા હતા. હોંગકોંગ જેવી સામાન્‍ય ટીમ સામે પણ ભારતીય ટીમ માંડ માંડ મેચ જીત્‍યો હતો.

એશિયા કપમાં ગઈકાલે હોંગકોંગ સામે ભારતે પ્રથમ દાવ લેતા ઈંગ્‍લેન્‍ડના પ્રવાસમાં સદંતરે બેટીંગમાં નિષ્‍ફળ રહ્યા બાદ માંડ ૨૮૫ રન જ બનાવી શકયુ હતું. શિખર ધવને સદી ફટકારી હતી. તેણે ૧૨૦ બોલમાં ૧૨૭ રન ફટકારી પોતાના કેરીયરની ૧૪મી સદી ફટકારી હતી. અંબાતી રાયડુએ ૬૦ રન ફટકાર્યા હતા. ભારતે ૪૦ ઓવરમાં ૨૩૭ રન બનાવ્‍યા હતા ત્‍યારે એક તબક્કે એવું લાગતુ હતું કે ભારત ૩૦૦નો આંકડો વટાવી જશે, પરંતુ છેલ્લી ૧૦ ઓવરમાં માત્ર ૪૮ રન જ બન્‍યા હતા. વિરાટની ગેરહાજરીમાં કેપ્‍ટન્‍સી  કરી રહેલા રોહિત શર્મા માત્ર ૨૩ રન જ બનાવી શકયો હતો. રાયડુ અને ધવનની ભાગીદારીથી ૨૮૫ રનનો જુમલો શકય બન્‍યો હતો.

હોંગકોંગના ઓપનીંગ બેટ્‍સમેનો નિઝાક ખાન (૯૨) અને અંશુમન રથ (૭૩) આ બંને ઓપનરોએ ભારતને સારી લડત આપી હતી. ૨૮૬ રનના ટાર્ગેટ સામે હોંગકોંગ ૮ વિકેટના ભોગે ૨૫૯ રન જ બનાવી શકયુ હતું. ભારતીય બોલરો યજુવેન્‍દ્ર ચહલ અને ખલીલ અહેમદે ૩-૩ વિકેટો જયારે કુલદીપ યાદવે ૨ વિકેટ મેળવી હતી.

હોંગકોંગ જેવી સામાન્‍ય ટીમ સામે ભારતીય ટીમને જીતવા પાણી આવી ગયા હતા ત્‍યારે આજે કટ્ટર હરીફ પાકિસ્‍તાન સામે મુકાબલો રમાવાનો છે ત્‍યારે ટીમ ઈન્‍ડિયાના તમામ બેટ્‍સમેનો અને બોલરોએ શાનદાર પર્ફોર્મન્‍સ આપવું પડશે.

 

(11:36 am IST)