Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

NPA કટોકટી : રાજનને માહિતી આપવા માટે હુકમ

સંસદીય પેનલ દ્વારા રાજનને બોલાવવા નિર્ણય : ચિંતાજનક વધતી એનપીએ કટોકટીના સંદર્ભમાં રઘુરામ રાજનની કામગીરીની પ્રશંસા બાદ તેમના સૂચનો લેવાશે

નવી દિલ્હી, તા. ૧૯ : વધતી જતી નોનપરફોર્મિંગ એસેટ (એનપીએ)ના મુદ્દા ઉપર તપાસ કરનાર સંસદીય સમિતિએ આ મામલા અંગે માહિતી આપવા તેની સમક્ષ ઉપસ્થિત થવા આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને સુચના આપી છે. પૂર્વ ચીફ ઇકોનોમિક એડવાઈઝર  અરવિંદ સુબ્રમણ્યમ દ્વારા સંસદીય કમિટિ સમક્ષ તેમની પ્રશંસા કરવામાં આવ્યા બાદ રાજનને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપના પીઢ નેતા મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં અંદાજ અંગેની સંસદીય સમિતિ સમક્ષ અરવિંદ સુબ્રમણ્યમ દ્વારા રઘુરામ રાજનની પ્રશંસા કરવામાં આવી હતી. એનપીએની કટોકટીને ઓળખી કાઢવા બદલ તથા આ વિવાદને ઉકેલવાના રાજનના પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી. રાજન સપ્ટેમ્બર ૨૦૧૬ સુધી ત્રણ વર્ષ માટે આરબીઆઈના ગવર્નર તરીકે રહ્યા હતા. હાલમાં રઘુરામ રાજન શિકાગોમાં કોલેજ અને સ્કુલમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. સમસ્યાને ઓળખી કાઢવા માટે તેમને સુબ્રમણ્યમે ક્રેડિટ આપ્યા બાદ રાજનને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. ગયા મહિને સીઈએ તરીકે સુબ્રમણ્યમ પેનલ સમક્ષ ઉપસ્થિત થયા હતા અને બેડ લોનના મુદ્દા પર માહિતી આપી હતી. વધતી જતી એનપીએ કટોકટીની સમસ્યા અંગે રાજન વધુ સક્રિય દેખાયા હતા. તેમની રજૂઆત દરમિયાન સુબ્રમણ્યમે એનપીએના મુદ્દા પર વાત કરી હતી. સાથે સાથે એવો સંકેત પણ આપ્યો હતો કે, જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા લેવામાં આવેલી મોટી લોનના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. પેનલ દ્વારા નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની પહેલાથી જ પુછપરછ કરવામાં આવી ચુકી છે જેમાં ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયા અને બેંકના ટોપના અધિકારીઓનો સમાવેશ થાય છે. વધતી જતી બેડ લોનના મુદ્દે પણ માહિતી મેળવવાના પ્રયાસ થયા છે. જાહેર ક્ષેત્રની બેંકોની બોર્ડ મિટિંગ સહિત જુદા જુદા દસ્તાવેજો રજૂ કરવા પેનલના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું છે. આ બોર્ડ મિટિંગમાં મોટી લોનને મંજુરી આપવામાં આવી હતી. બેંકિંગ સેક્ટર નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ)ના બોજ હેઠળ આવી રહી છે. એનપીએનો આંકડો ડિસમ્બર ૨૦૧૭ના અંત સુધી કુલ એડવાન્સના ૧૦.૧૧ ટકા અથવા તો ૮.૯૯ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ગ્રોસ એનપીએ પૈકી જાહેર ક્ષેત્રની બેંકો માટેનો આંકડો ૭.૭૭ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચ્યો હતો. બેંકિંગ ફ્રોડની વધતી જતી સંખ્યા ગંભીર ચિંતાનો વિષય છે.

(7:29 pm IST)