Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

કેરળ : છત પર હેલિકોપ્ટર ઉતારીને લોકોને બચાવાયા

સેના અને હવાઈ દળનું ઉલ્લેખનિય ઓપરેશન : છેલ્લા ૧૦ દિવસમાં જ ૧૯૪ લોકોના મોતની વચ્ચે પુર તાંડવ જારી : એનડીઆરએફ, સેના, અન્ય ટુકડી સક્રિય

કોચી, તા.૧૮  : કેરળમાં પુર તાંડવ મચેલું છે. ૧૦ દિવસમાં જ ૧૯૪ લોકોના મોત થઈ ચુક્યા છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે ભૂમિ સેના, હવાઈ દળ અને નૌકાસેના દેવરૃપની ભૂમિકામાં છે. જવાનો બચાવ અને રાહત કામગીરીમાં અભૂતપૂર્વ રીતે ઉભરીને આવ્યા છે. શૌર્યચક્ર વિજેતા કેપ્ટન પી.રાજકુમારે પુરગ્રસ્ત વિસ્તારમાંથી ૨૬ લોકોને બચાવી લીધા હતા. આવી સ્થિતિમાં લોકો જીવન મરણ વચ્ચે હતા. વૃક્ષોની વચ્ચે કેપ્ટન કુમારે સી કિંગ-૪૨બી હેલિકોપ્ટરને ઘરની છત ઉપર ઉતાર્યું હતું અને તમામને બચાવી લીધા હતા. ૩૨ લોકોને તેઓ બચાવી શક્યા હતા. સાહસ અને જટીલ પરિસ્થિતિમાં પણ લોકોના જાન બચાવવાના દૃઢ નિશ્ચય સાથે તેઓએ આ પરાક્રમ કરી બતાવ્યું છે.

 સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, રેપિડ એકશન ફોર્સના જવાનો પણ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. નૌકાસેના દ્વારા વીડિયો જારી કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. જેમાં જોઈ શકાય છે કે નેવીના હેલિકોપ્ટર એક સગર્ભા મહિલાને પણ બચાવી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાની મદદ માટે હેલિકોપ્ટરથી રસ્સી લટકાવી દેવામાં આવી છે. જેનાથી મહિલાને બચાવી લેવાઈ છે. સેનાના મિશનના સંદર્ભમાં માહિતી આપતા બ્રિગેડિયર અરૃણ સીજે દ્વારા કહેવામાં આવ્યું છે કે વિશેષ એન્જિનિયરીંગ ટાસ્ક ફોર્સના ૭૦૦ જવાનો લાગેલા છે. ઓપરેશન મદદ આને નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આઠમીથી ૧૫મી ઓગસ્ટ વચ્ચેના ગાળામાં સામાન્ય કરતા ૨૫૦ ટકા વધારે વરસાદ પડી ચુક્યો છે. અભૂતપૂર્વ વરસાદ કેરળમાં પડી રહ્યો છે. સપ્તાહના ગાળામાં જ ઉલ્લેખનિય વરસાદથી હાલત કફોડી બની છે. ૧૬મી ઓગસ્ટના દિવસે ૧૩૭ મીમી વરસાદ સામાન્યથી દસ ગણો હતો. શુક્રવારે સામાન્યથી પાંચ ગણો વરસાદ થયો હતો. આઠમી ઓગસ્ટથી શરૃ થયેલા ભારે વરસાદનો સીલસીલો જારી રહ્યો છે. જેથી રાજ્યમાં છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.

(12:00 am IST)