Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

કેરળ પૂરપીડિતો માટે રેલવેએ મોકલ્યું 28 લાખ લીટર પીવાનું પાણી

7 લાખ લીટર પુણેથી અને 21.5 લાખ લીટર પાણી મધ્યપ્રદેશના રતલામ જિલ્લાથી રવાના

નવી દિલ્હી :ભારે વરસાદ અને પૂરને કારણે રાજ્યમાં પીવાના પાણી અને ઈંધણનું સંકટ ઘેરું બન્યું છે. આવી સ્થિતીમાં ભારતીય રેલવેએ પીવાના પાણીના સ્વરૂપમાં કેરળવાસીઓને મદદ મોકલી છે. રેલવેએ કેરળ માટે 28,5 લાખ લીટર પાણી મોકલ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, શનિવારે બપોરે 2.00 કલાકે લગભગ 7 લાખ લીટર પાણી પુણેથી અને 21.5 લાખ લીટર પાણી મધ્યપ્રદેશના રતલામ જિલ્લાથી રવાના કરાયું છે. 

જળપ્રલયનો સામનો કરી રહેલા કેરળની મદદ માટે દેશભરના રાજ્યો આગળ આવ્યા છે. સંકટની આ ક્ષણમાં ભારતીય રેલવે પણ કેરળના નાગરિકો માટે મદદ માટે તૈયાર છે. રેલવેએ ખાસ ટ્રેનો મારફતે સાત લાખ લીટર પીવાનું પાણી કેરળ માટે રવાના કર્યું છે. બીજી બાજુ દેશભરની ટોચની હસ્તીઓ, રાજનેતાઓ, વિદેશી સરકારો, અન્યો કેરળની મદદ માટે આગળ આવ્યા છે. રેલવે દ્વારા પાણી ભરેલી ત્રણ સ્પેશિયલ ટ્રેનો કેરળ માટે રવાના કરાઈ છે. આ ઉપરાંત કેરળમાં પીવાના પાણીની એક લાખ બોટલો પણ મોકલવામાં આવી છે. ઈરોડ જંકશનથી સાત અને ૧૫ ઓપન વેગનવાળી બે ટ્રેનોને રવાના કરવામાં આવી છે. સાત લાખ લીટર પીવાના પાણી સાથે સ્પેશિયલ ટ્રેનોને પુણેથી રવાના કરવામાં આવશે. ૧૪ ડબા પુણેથી ભરવામાં આવ્યા છે. જ્યારે મધ્યપ્રદેશના રતલામથી ૧૫ ડબાઓને પીવાના પાણીથી ભરવામાં આવ્યા છે. કેરળમાં પુર અને ભારે વરસાદના કારણે પેરીયાર નદીમાં પણ પાણી પીવા લાયક રહ્યું નથી. પીવાના પાણીની સમસ્યા વચ્ચે આ પ્રકારની પહેલ રેલવે દ્વારા કરવામાં આવી છે. બીજી બાજુ જુદા જુદા રાજ્યો દ્વારા પણ મદદની જાહેરાત કરાઈ છે. ગુજરાત સહિતના રાજ્યો મદદની જાહેરાત કરી ચુક્યા છે. ફિલ્મી કલાકારો અને અન્ય હસ્તીઓ પણ આગળ આવી છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, અનુષ્કા શર્મા, વરૃણ ધવન, શ્રદ્ધા કપૂર જેવા અભિનેતાઓ ટ્વીટર મારફતે કેરળના નાગરિકોની મદદ કરવા કહી રહ્યા છે. અભિષેક બચ્ચન, વીકી કૌશલ, ભૂમિ દ્વારા હેલ્પલાઈન જારી કરીને મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. સંકટના આ સમયમાં સંયુક્ત અમર અમિરાતના વડાપ્રધાન અને દુબઈના શાહ શેખ મોહમ્મદ દ્વારા પણ મદદની જાહેરાત કરવામાં આવી છે.

(12:00 am IST)