Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

સેલ્‍ફી માટે ૧૦૦ રૂપિયા આપવા પડશે

સેલ્‍ફીમાં મારો ઘણો સમય બરબાદ થાય છે, સેલ્‍ફી માટે ૧૦૦ રૂપિયા પાર્ટી ફંડમાં જમા કરાવવાના રહેશે : નેતાઓ સેલિબ્રિટીઓથી પણ આગળ નીકળ્‍યા મધ્‍યપ્રદેશના મંત્રી

ભોપાલ,તા.૧૯: મધ્‍યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારના મંત્રી ઉષા ઠાકુરે હવે એવું ફરમાન કર્યુ છે કે તેમની સાથે સેલ્‍ફી ક્‍લિક કરાવવી હોય તો પાર્ટી ફંડમાં ૧૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે. તેમનું કહેવું છે કે સેલ્‍ફી ક્‍લિક કરાવવામાં તેમનો દ્યણો સમય બરબાદ થયો હોવાથી આ નિર્ણય કરવામાં આવ્‍યો છે. મધ્‍યપ્રદેશના સાંસ્‍કૃતિક મંત્રી ઉષા ઠાકુરનું કહેવું છે કે કાર્યકર્તાઓ અને અન્‍ય લોકો સાથે સેલ્‍ફી ક્‍લિક કરાવવામાં તેમનો ઘણો સમય બરબાદ થતો હતો અને આ કારણોસર તેઓ ઘણાં કાર્યક્રમોમાં મોડા પહોંચ્‍યા છે. જેથી હવે તેમની સાથે સેલ્‍ફી ક્‍લિક કરાવવા માટે ૧૦૦ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે.

આ રકમ સ્‍થાનિક ભાજપ યુનિટના ફંડમાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત મંત્રી ઉષા ઠાકુરનું કહેવું છે કે હવે તેઓ બુકે અને ફૂલની જગ્‍યાએ પુસ્‍તકો સ્‍વીકારશે. તેમનું કહેવું છે કે માત્ર ભગવાન વિષ્‍ણુને જ ફૂલ ચડી શકે છે કારણ કે તેમનામાં લક્ષ્મીનો વાસ છે. તેમના સિવાય કોઇને ફૂલ ચડી શકે નહીં. તેથી હવે તેઓ માત્ર પુસ્‍તકો જ સ્‍વીકારશે.

(10:23 am IST)