Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

લોકો પૂરના ખપ્પરમાં છે ત્યારે સુશીલકુમારનું પ્રધાન મંડળ સુપર ૩૦ ફિલ્મ જોવામાં વ્યસ્ત!

પ્રજાના કીમતી મતે ચૂંટાયેલા રાજકારણીઓ ભાન ભૂલ્યા

પટના તા. ૧૯ :.. બીહારમાં એક તરફ ભીષણ પુરની ભયંકર પરિસ્થિતિ છે ત્યારે બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીની આગેવાની હેઠળ આખા પ્રધાન મંડળે પટનાના મલ્ટિપ્લેકસમાં ઋતિક રોશનની 'સુપર ૩૦' ફિલ્મ જોઇ હતી. એ પછી લાલુ પ્રસાદની પાર્ટી આરજેડીએ બિહાર સરકાર પર નિશાન તાકયું છે. આરજેડીએ કહ્યું છે કે 'મલ્ટિપ્લેકસમાં ફ્રી ડિનર સાથે આખું પ્રધાન મંડળ મુવી જોઇ રહ્યું હતું અને ઉપરથી બેશર્મ પ્રધાનો કહી રહ્યા હતા કે પૂર આવ્યું છે તો શું અમે ખાવા-પીવાનું અને મૂવી જોવાનું છોડી દઇએ...'

બિહારમાં પુરથી ભારે તબાહી સર્જાઇ છે. બિહારના ૧ર જિલ્લાનાં પુરને કારણે ર૪ લાખ લોકો પ્રભાવિત છે. બિહારની તમામ નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે અને ૬૦૦ ગામડાઓમાં પાણી  ઘુસી ચૂકયા છે. આવા સંજોગોમાં સુશીલકુમાર મોદીએ ઋતિક રોશન સાથે મુલાકાત કરીને તેની 'સુપર ૩૦' ફિલ્મનાં વખાણ કર્યા બાદ વિપક્ષો તેમના પર નિશાન સાધી રહ્યા છે. બિહાર સરકારે ઋતિકની આ ફિલ્મને બિહારમાં ટેકસ-ફ્રી જાહેર કરી છે. ફિલ્મ બિહારના જ શિક્ષક આનંદકુમાર પર આધારિત છે.

(3:58 pm IST)