Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

પોંજી સ્કીમઃ હજારો મુસ્લિમોને ઠગનાર મન્સુર ખાન આખરે ઝડપાયો

ઈસ્લામિક બેન્ક અને હલાલ ઈન્વેસ્ટર કંપની શરૂ કરી ૩૦ હજારથી વધુ મુસ્લિમોને બુચ મારી દીધુ હોવાનો આરોપઃ ૨૦૦૦ કરોડ રૂપિયા ચાંઉ કરી ગયો હોવાનો પણ આરોપઃ ઈડીએ આજે સવારે દિલ્હી એરપોર્ટ પરથી પકડી લીધોઃ પૂછપરછ શરૃઃ ૧૪થી ૧૮ ટકાના રીટર્નની લાલચ આપી મુસ્લિમોને સાણસામાં ફસાવતોઃ કેટલાક વખતથી દુબઈ ભાગી ગયો હતો

નવી દિલ્હી, તા. ૧૯ :. આઈ મોનીટરી એડવાઈઝર (આઈએમએ) પોંજી કૌભાંડ મામલામાં તેના સ્થાપક મન્સુર ખાનને આજે સવારે દિલ્હી એરપોર્ટથી ઈડીએ ઝડપી લીધો છે. વધુ પૂછપરછ માટે તેને દિલ્હી સ્થિત ઈડી કાર્યાલયમાં લઈ જવાયો છે. પોંજી સ્કીમ એક પ્રકારની છેતરપીંડી છે જેમાં રોકાણકારોને લલચાવવા માટે નવા રોકાણકારો પાસેથી લેવામાં આવેલા પૈસા જૂના રોકાણકારોને લાભ તરીકે અપાતા હતા. મન્સુર ખાન પર ઈસ્લામીક બેન્કના નામે હજારો લોકો સાથે છેતરપીંડી કરવાનો આરોપ છે.

મન્સુર ખાન પર ઈસ્લામીક બેન્કના નામે ૩૦ હજાર મુસ્લિમોને છેતરવાનો આરોપ છે. તેના પર આરોપ છે કે તે ૨૦૦૦ કરોડ રૂપિયાની છેતરપીંડી કરી દુબઈ ભાગી ગયો હતો. આઈએમએ દ્વારા પોતાની સ્કીમમાં ૧૪ થી ૧૮ ટકાના ભારે રીટર્નની લાલચ આપી હજારો રોકાણકારોને છેતરવામાં આવ્યા હતા તે પછી લગભગ ૨૫૦૦૦ લોકોએ છેતરપીંડીની ફરીયાદ કરી હતી. પોલીસે તેની ઓફિસમાં અને મન્સુર ખાનના ઘરે દરોડા પાડયા હતા જ્યાંથી કરોડો રૂપિયાની જ્વેલરી અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

તેને આજે દુબઈથી દિલ્હી લાવવામાં આવ્યો હતો અને તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોતાની સ્કીમને સામાન્ય મુસ્લિમો સુધી પહોંચાડવા માટે મૌલવીઓ અને મુસ્લિમ નેતાઓનો સાથ લીધો હતો. જાહેરમાં તે અને તેના કર્મચારી હંમેશા સાધારણ કપડામા દેખાતા અને દાઢી રાખતા તથા ઓફિસમા જ નમાઝ પઢતા. તે નિયમીત રીતે મદરેસા અને મસ્જિદોમાં દાન પણ કરતો હતો. રોકાણ કરનાર દરેક મુસ્લિમને કુરાન ભેટમાં આપતો હતો. શરૂઆતમાં રોકાણ બદલ રીટર્ન અપાતુ અને મોટા ચેક રોકાણકારોને અપાતા. જેને કારણે તેની યોજનાનો વધુ પ્રચાર થયો હતો.

તેણે બે વખત દુબઈથી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. ૧૩ વર્ષ પહેલા મન્સુર ખાને આઈએમએ નામની ઈસ્લામી બેન્ક અને હલાલ રોકાણકાર કંપની શરૂ કરી હતી. એક રીપોર્ટ અનુસાર તેની ફર્મમાં ૧૦ હજાર રોકાણકારો છે અને તેને ૨૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે.

મન્સુર ખાનની પૂછપરછ કરવા માટે બેંગ્લોરથી એક ટીમ દિલ્હી આવી રહી છે.

(11:21 am IST)