News of Thursday, 19th July 2018

વરસાદનું ઘટયું જોરઃ મૃત્યુઆંક ૩૨: ૩૦ ગામો હજુય રામભરોસે

૧૬૦થી વધુ પશુઓના મોત : નદી - ડેમોમાં નવા નીર : હવે મેઘો વિરામ નહિ લ્યે તો પાકને નુકસાનઃ ભારે વરસાદને કારણે ૧ નેશનલ હાઇવે અને ૭ સ્ટેટ હાઇવે સહિત ૧૫૦ નાના - મોટા રસ્તાઓ બંધ : દિલ્હીમાં પણ વરસાદની ચર્ચા રમાયુ રાજકારણ

નવી દિલ્હી તા. ૧૯ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયેલા અતિ ભારે વરસાદના કારણે લોકોની સ્થિતિ વિકટ બની રહી છે. વરસાદના કારણે ૩૦ જેટલાક ગામો સંપર્ક વિહોણા થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. વરસાદના લીધે માનવ મૃત્યુ આંક ૩૨ પહોંચ્યો છે જયારે ૧૬૦થી વધુ પશુઓના મોત થયા છે. તો વરસાદના કારણે ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવા માટે એનડીઆરએફ અને સરકારી તંત્રની ટીમો સધન કામગીરી કરી રહી છે. એક તરફ પૂર ગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રી વિજય રુપાણીએ મુલાકાત લીધી છે ત્યારે બીજી તરફ વિપક્ષ દ્વારા સરકાર સામે વિવિધ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં થયેલા ભારે વરસાદ અંગે દિલ્હીમાં પણ ચર્ચા થઈ રહી છે.

સૌરાષ્ટ્રના ડેમ અને નદીઓ છલકાઈ રહ્યા છે જે લોકો માટે રાહતના સમાચાર કહી શકાય પણ ભારે વરસાદના કારણે ગામો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોની સ્થિતિ વિકટ બની રહી છે. સારા વરસાદના કારણે ખેડૂતો ખુશી વ્યકત કરી રહ્યા છે પણ હવે વરસાદ અટકશે નહીં તો પાકને નુકસાન થશે તેવી આશંકા પણ ખેડૂતો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે એક નેશનલ હાઈવે અને ૭ સ્ટેટ હાઈવે સહિત ૧૫૦થી વધુ નાના-મોટા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે. બંગાળની ખાડીમાં તૈયાર થયેલા અપર એર સાઈકલોનના કારણે રાજયમાં આગામી સમયમાં સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યકત કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદના ૧૩ ડેમો હાઈએલર્ટ પર છે જયારે ૫ ડેમો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પૂર્ણા, અંબિકા અને કાવેરી સહિતની નાની-મોટી નદીઓમાં વરસાદના નવા નીરની આવક થવાના કારણે તટ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સ્થિતિ વિકટ બની છે. આ સિવાય વડોદરા, સુરત, ભાવનગર અને મહુવામાં વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોની સ્થિતિ વિકટ બની છે.

વડોદરા, સુરત અને ભાવનગરમાં વરસાદ બાદ નગરજનોની સ્થિતિ વિકટ બની છે. વરસાદના લીધે રસ્તા ધોવાઈ જવાથી અને ખાડા પડી જવાથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. વરસાદના લીધે પડી રહેલી હાલાકી બાદ તંત્રની મદદ ન મળી રહી હોવાની ફરિયાદો વધી રહ્યા છે.

વરસાદના તોફાન વચ્ચે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. વિજય રુપાણીએ રાજયમાં ભારે વરસાદવાળા વિસ્તારની હવાઈ મુલાકાત લીધી ત્યારે કોંગ્રેસ દ્વારા સરકારની કામગીરી સામે વાંધો ઉઠાવીને આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા શકિતસિંહ ગોહિલે કહ્યું છે કે સરકારે ખોટા પ્રવાસો બંધ કરીને રાજયની મદદ કરવી જોઈએ. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનો પ્રવાસ રદ કર્યો છે ત્યારે મોદી રાજયમાં આવીને વરસાદના પાણી ભરાયા છે તે સ્થળોની હવાઈ નહીં પણ જમીની મુલાકાત લેવી જોઈએ તેવી માંગ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે.

રાજયમાં વરસાદના કારણે ઉભી થયેલી વિકટ સ્થિતિ અંગે દિલ્હીમાં પણ ચર્ચા થઈ રહી છે. દિલ્હીમાં ગુજરાત ભવન ખાતે સ્મૃતિ ઈરાનીની અધ્યક્ષતામાં રાજયના સાંસદોની બેઠક કરવામાં આવી હતી જેમાં રાજયના સાંસદોએ વરસાદ અંગે ચર્ચા કરી હતી.

રાજયમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જોકે, આગાહી બાદ પણ અમદાવાદમાં હજુ સુધી વરસાદ થયો નથી. ઉત્તર ગુજરાતમાં પણ કાગડોળે વરસાદની રાહ જોવાઈ રહી છે. અમદાવાદના છેવાડાના વિસ્તારો અને એસજી હાઈવે સિવાય શહેરની મધ્યમાં નહીવત વરસાદ થયો છે.

બંગાળની ખાડીમાં અપર એર સકર્યુલેશન ક્રિએટ થયું છે જેની ગુજરાત પર અસર થઈ શકે છે. ખાડીમાં નિર્માણ પામેલા અપર એર સકર્યુલેશનના કારણે ફરી એક વખત ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે.(૨૧.૧૦)

 

(11:09 am IST)
  • 21મીએ જીએસટી કાઉન્સિલની બેઠક :સરકારની આવક ઘટે નહીં તેવી વસ્તુમાં ઘટાડશે દર :હેન્ડિક્રાફ્ટના 40 વસ્તુઓ,32 સર્વિસ અને 35 ચીજના દરમાં ઘટાડો થવાની ધારણા access_time 11:56 pm IST

  • મેસેજ મોકલવા માટે ગ્રાહકોની સહમતી ફરજીયાત: અનિચ્છનીય ફોન કોલ્સ અને મેસેજથી પરેશાની હવે ખતમ થઇ શકે છે :ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પરેશાન કરનારા કોલ્સ અને સ્પામને લઇને નવા નિયમોની જાહેરાત કરી:ટેલીમાર્કેટિંગ મેસેજ મોકલવા માટે ગ્રાહકોની સહમતી ફરજીયાત કરી દેવાઇ છે. access_time 12:02 am IST

  • હવે બે દિવસ વરાપ રહેશેઃ કયાંક છૂટો છવાયો વરસી જાયઃ છેલ્લા કેટલાક દિવસોથી મેઘાવી માહોલ જોવા મળ્યો હતોઃ દરમ્યાન આજે ઘણા દિવસો બાદ રાજકોટ શહેરમાં સવારે સૂર્યનારાયણે દર્શન દીધા છેઃ હવામાન વિભાગ કહે છે હવે બે દિવસ વરાપ જોવા મળશે સિવાય કે એકાદ બે જગ્યાએ હળવો વરસી જાયઃ બે દિવસ બાદ એટલે કે ૨૧મીએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશેઃ જેની અસર સૌરાષ્ટ્રમાં ૨૩-૨૪ જુલાઈના જોવા મળશે access_time 11:36 am IST