Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સુપ્રીમ અને હાઇકોર્ટના જજોની નિવૃત્તિ વયમર્યાદા વધારી શકે છે સરકાર

સંસદમાં ખરડો રજુ કરાશે

નવી દિલ્હી તા. ૧૯ : કેન્દ્ર સરકાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ફરજ બજાવી રહેલા ન્યાયાધીશોની નિવૃત્તિની વય મર્યાદા વધારવા પર ફેર વિચારણા કરી રહી છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના જજોની રિટાયર્મેન્ટની ઉંમર ૬૫ વર્ષથી વધારીને ૬૭ વર્ષ, હાઇકોર્ટના જજોની રિટાયર્મેન્ટ ઉંમર ૬૨ વર્ષથી વધારીને ૬૪ વર્ષ કરવા પર સરકાર વિચારી રહી છે.

નોંધનીય છે કે ન્યાયાધીશોની નિવૃત્તિની વય મર્યાદા વધારવા માટે બંધારણમાં સુધારો કરવો જરૂરી બનશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર ચોમાસું સત્રમાં સુધારા ખરડો રજૂ કરી શકે છે. સરકાર આ માટે ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની અછતનું કારણ આગળ ધરી શકે છે.

હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં જજોની અપૂરતી સંખ્યાને લઈને સંસદીય સમિતિએ સરકારને જજોની નિવૃત્તિ વયમર્યાદા વધારવાની ભલામણી કરી છે. સમિતિએ એવી પણ ભલામણ કરી હતી કે વિવિધ કોર્ટોમાં પડતર રહેલા કેસનો નિકાલ કરવા માટે જજોની ખાલી પડેલી બેઠકોને તાત્કાલિક ભરવામાં આવે તે જરૂરી છે. સાથે એવો અનુરોધ કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં ખાલી પડનાર તમામ જગ્યાઓ ૧૯૯૩માં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા નિર્દેશોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે.

સમિતિએ તેની સાથે જ વર્તમાન જજોની નિવૃત્તિ વય મર્યાદા વધારવાની ભલામણી કરતા કહ્યું કે, 'આનાથી વર્તમાન જજોની સેવા વિસ્તારમાં મદદ મળશે અને જજોની અપૂરતી સંખ્યાને દૂર કરવામાં તેમજ પડતર કેસોના નિકાલ માટે મદદ મળી રહેશે.'(૨૧.૬)

(10:28 am IST)