Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

આપણે મહાન ખેલાડી ગુમાવ્યો વડાપ્રધાન

'ફલાઇંગ શીખ' મિલ્ખા સિંહનું નિધનઃ કોરોના સામેનો જંગ હારી ગયા

રવિવારે જ તેમની પત્નિ અને ભારતીય વોલીબોલ ટીમની પૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું પણ કોરોના સંક્રમણને કારણે અવસાન થયું હતું

નવી દિલ્હી, તા.૧૯: ભારતના મહાન દોડવીર 'ફલાઇંગ શીખ' મિલ્ખા સિંહનું એક મહિના સુધી કોરોના વાયરસ સામે લડ્યા બાદ નિધન થયું છે. પરિવારના પ્રવકતાએ શુક્રવારે રાત્રે આ અંગેની માહિતી આપી હતી. કોવિડ -૧૯ પછીની સમસ્યાઓને લીધે શુક્રવારે સાંજે ૯૧ વર્ષના મિલ્ખા સિંહની હાલત નાજુક થઇ હતી, જેમાં તેમનું ઓકિસજનનું સ્તર ઓછું થઇ ગયું હતું. તેમને તિવ્ર તાવ પણ આવતો હતો. રવિવારે જ તેમની પત્ની અને ભારતીય વોલીબોલ ટીમની પૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું પણ કોરોના સંક્રમણને કારણે અવસાન થયું હતું.

તેમના પરિવારના પ્રવકતાએ જણાવ્યું કે, 'તેમનું રાત્રે ૧૧.૩૦ વાગ્યે અવસાન થયું. સાંજથી જ તેમની હાલત ખરાબ હતી અને તિવ્ર તાવની સાથે ઓકિસજન પણ ઘટ્યું હતું. તેમને અહીં પીજીઆઇએમઇઆરના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા મહિને તેમને કોરોના હતો અને બુધવારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમને જનરલ આઈસીયુમાં ખસેડાયા હતા. ગુરુવારે સાંજ પહેલા તેની હાલત સ્થિર થઈ ગઈ હતી.

પદ્મશ્રી મિલ્ખા સિંહના નિધન પર શોક વ્યકત કરતા પીએમ મોદીએ લખ્યું કે, 'મિલ્ખા સિંહ જીના અવસાન સાથે આપણે એક મહાન ખેલાડી ગુમાવ્યો છે. જેમણે દેશની કલ્પના કેપ્ચર કરી લીધી હતી અને અસંખ્ય ભારતીયોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું. તેમણે પોતોના પ્રેરણાદાયક વ્યકિતત્વ સાથે લાખો લોકોના પ્રિય બની ગયા હતા. તેમના નિધનથી દુખી છું. થોડા દિવસ પહેલા જ મેં મિલ્ખાસિંહજી સાથે વાત કરી હતી. મને ખબર નહોતી કે, તે અમારી છેલ્લી વાતચીત હશે. ઘણાં ઉભરતા રમતવીરો તેમની જીવનયાત્રાથી તાકાત મેળવશે. તેમના પરિવાર અને વિશ્વભરના ઘણા ચાહકો પ્રત્યે મારી સંવેદના.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહે પણ શ્રદ્ઘાંજલિ આપતા જણાવ્યું કે, 'સુપ્રસિદ્ઘ દોડવીર શ્રી મિલ્ખા સિંહજી, ધ ફ્લાઇંગ શીખના નિધન પર ભારત શોક વ્યકત કરે છે. તેમણે વિશ્વ એથ્લેટિકસ પર એક અદમ્ય છાપ છોડી છે. રાષ્ટ્ર તેમને હંમેશા રમતગમતના તેજસ્વી તારલાઓમાંના એક તરીકે યાદ કરશે. તેમના પરિવાર અને અસંખ્ય સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.

મિલ્ખા સિંઘના જીવન પર ફિલ્મ 'ભાગ મિલખા ભાગ' પણ બનાવવામાં આવી છે, જેમાં ફરહાન અખ્તરે તેમનું પાત્ર ભજવ્યું હતું. મિલ્ખા સિંહના પરિવારમાં તેમનો પુત્ર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહ અને ત્રણ પુત્રીઓ છે.

(10:18 am IST)