Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ભારતને ઘેરવા બાંગ્લાથી નિકાસ થતી ૯૭% વસ્તુઓ ટેક્સ ફ્રી કરી

ખંધા ચીનનો હવે નવો દાવ : ચીનના આ નિર્ણયથી ઝૂકી ગયેલા બાંગ્લાદેશ સરકારે પણ ચીનના નિર્ણયને બંને દેશોના સંબંધનો પાયો ગણાવ્યો

નવી દિલ્હી, તા. ૧૯ : લાઈન ઓફ કંટ્રોલ  પર ભારતના જવાનો સાથે ઘાતકી હરકત કર્યા પછી ચીન ભારતને ચોતરફ ઘેરી રહ્યુ છે. ચીનની મદદથી નેપાળ તો ભારત સામે આંખો બતાવી જ રહ્યુ છે અને પાકિસ્તાન પહેલેથી એલઓસી પર સિઝફાયર કરી રહ્યુ છે. ચીન હવે બાંગ્લાદેશને પણ પોતાની તરફ કરી ભારત વિરુદ્ધ ઉભુ કરવાની પૂર્ણ તૈયારી કરી ચૂક્યુ છે. ભારત સાથે સરહદોથી જોડાયેલા દેશો સાથે આર્થિક કૂટનીતિ કરી ચીન તેમની બોલતી બંધ કરી રહ્યુ છે અને ભારત વિરુદ્ધ નીતિ ઘડી રહ્યુ છે. તાજેતરમાં ચીને બાંગ્લાદેશના ૯૭ ટકા ઉત્પાદનાને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. ચીનના આ નિર્ણયથી ઝૂકી ગયેલા બાંગ્લાદેશે પણ ચીનના નિર્ણયને બંને દેશોના સંબંધનો પાયો ગણાવ્યો છે.

           નોંધનીય છે કે મહિના પહેલા બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાએ કોરોના મહામારીને લીધે પેદા થયેલી આર્થિક સમસ્યાને લઇને ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ સાથે વાતે કરી હતી. જે પછી બાંગ્લાદેશે એક નિવેદનમાં જાહેર કર્યુ હતું કે ચીન સાથેની વાર્તાલાપમાં અમે ચીનને નિકાસ થતી વસ્તુઓને ટેક્સ ફ્રી કરવાની અપીલ કરી હતી. ચીનના નિર્ણય પછી બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે મસ્ત્ય અને ચામડાના ઉત્પાદનો સહિત ૯૭ ટકા વસ્તુઓ પર ચીન ટેક્સ હટાવી રહ્યુ છે. બાંગ્લાદેશ, ચીન પાસેથી આશરે ૧૫ અબજ ડોલરની વસ્તુઓ આયાત કરે છે જ્યારે ચીનને બાંગ્લાદેશથી નિકાસ થતી વસ્તુઓની કિંમત આયાતની સરખામણીએ ખૂબ જ ઓછી છે. બાંગ્લાદેશે આશા વ્યક્ત કરી છે કે ચીનની આ મદદથી તેની અર્થવ્યવસ્થામાં મજબૂતી આવશે.

(7:46 pm IST)