Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

અંતે ગલવાન ખીણમાં બંધક ૧૦ ભારતીય સૈનિકોને ચીને મુક્ત કર્યા

ભારત સામે ચાલાક ચીનની લુચ્ચાઈ યથાવત : અગાઉ ભારતીય સૈન્યએ કોઈપણ ભારતીય સૈનિક ગુમ ન હોવાનું કહ્યું હતું, મેજર-જનરલ સ્તરની વાતચીત બાદ ભારતીય સૈનિકોને મુક્ત કરી દેવાયા

નવી દિલ્હી, તા. ૧૯ : લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ એવા અહેવાલ હતા કે કેટલાક જવાનોને ચીન દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે,પરંતુ ભારતીય સૈન્ય દ્વારા તેની પુષ્ટિ થઈ નહતી. હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે ચીને આ અથડામણ બાદ ગુરુવારે સાંજે એક લેફ્ટિનેન્ટ કર્નલ અને ત્રણ મેજર સહિત ૧૦ સૈન્ય જવાનોને બંધનથી મુક્ત કર્યા છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના કહેવા અનુસાર મેજર-જનરલ સ્તરની વાતચીત બાદ એક સાંજે લગભગ પાંચ કલાકે ભારતીય સૈનિકોને ચીને છોડ્યા છે. આ પૈકી એક પણ ભારતીય જવાનને ઈજા થઈ નથી. આ પહેલાં ભારતીય સૈન્ય દ્વારા એક અલગ નિવેદન જાહેર કરીને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું કે આ અથડામણમાં કોઈ ભારતીય જવાન ગૂમ થયા નથી. ગુરુવારે બપોરે ભારતીય સૈન્ય તરફથી કહેવામાં આવ્યું કે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં ૭૬ સૈનિકો ઘાયલ થયા છે અને હવે એ તમામ હોસ્પિટલમાં છે. સૈન્યના સૂત્રોના કહેવા મુજબ આ પૈકી કોઈની હાલત ગંભીર નથી, તમામની તબિયત સ્થિર છે.

               ૧૮ સૈનિક અમારી લેહની હોસ્પિટલમાં દાખલ છે અને ૧૫ દિવસમાં સ્વસ્થ થયા બાદ ડ્યુટી પર પરત આવી જશે. ૫૮ સૈનિક અન્ય હોસ્પિટલમાં દાખલ છે. એ કદાચ એક સપ્તાહ પછી ફરજ પર પરત આવી શકે છે. ભારતીય સૈન્ય તરફથી કહેવામાં આવ્યું છે કે અન્ય હોસ્પિટલોમાં દાખલ સૈનિકોને નજીવી ઈજા પહોંચી છે, તેઓ તમામ સ્વસ્થ થવાની આશા છે. આ દરમિયાન અન્ય ઘટનાક્રમમાં વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે ભારતીય સૈનિક, જે સંખ્યામાં વધુ હતા અને ચીન સૈન્ય દ્વારા હુમલો કરાયો, એ હથિયારયુક્ત હતા.

              બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક ટવીટના જવાબમાં વિદેશમંત્રીએ ટ્વીટર પર લખ્યું કે, સરહદ પર ફરજ બજાવી રહેલાં તમામ સૈનિક કાયમ હથિયાર રાખે છે, ખાસ કરીને ત્યારે એ ચોકી છોડીને જઈ રહ્યા હોય. ૧૫ જૂને ગલવાનમાં હતા, તેમણે એવું જ કર્યું હતું. અથડામણ દરમિયાન હથિયારનો ઉપયોગ ન કરવાની આ પ્રથા(૧૯૯૬ અને ૨૦૦૫ના કરાર મુજબ) લાંબા સમયથી ચાલી આવી રહી છે. હવે ચીન દ્વારા શહીદ થયેલા ૨૦ ભારતીય જવાનો મામલે દેશના લોકોમાં રોષ ફેલાયો છે, જેના અનુસંધાનમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે, આ બેઠક બાદ ચીન સામે શું પગલાં ભરવા તે અંગે નિર્ણય લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૬૭માં સિક્કિમના નાથૂ લામાં થયેલી જૂથ અથડામણ બાદ બંને સેનાઓની વચ્ચે આ સૌથી મોટો ટકરાવ હતો. એ સમયે થયેલી અથડામણમાં ભારતના ૮૦ સૈનિકો શહીદ થયા હતા અને ૩૦૦થી વધુ ચીની સૈન્ય કર્મીઓ માર્યા ગયા હતા

(7:43 pm IST)