Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

કાલે વડાપ્રધાન જાહેર કરશે શ્રમિકો માટેની ૫૦,૦૦૦ કરોડની રોજગાર યોજના

૬ રાજયોના ૧૧૬ જિલ્લામાં પ્રારંભ થશે

નવી દિલ્હી, તા.૧૯: કોરોના સંકટકાળમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજુરોએ વતન વાપસી કરી છે. એવામાં મજુરો પાસે રોજગાર મેળવવા માટે આર્થિક સંકટ ઉભું થયું છે. આ હાલતની વચ્ચે કેન્દ્ર સરકાર એક ખાસ અભિયાન શરૂ કરવા માટે જઈ રહ્યું છે. આ યોજનાનું નામ 'ગરીબ કલ્યાણ રોજગાર યોજના' છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૦ જૂનના રોજ તેનું લોન્ચિંગ કરશે. આ અંગેની માહિતી નાણાંમંત્રી નિર્મલા સીતારામને ગુરૂવારે મીડિયાને આપી હતી.

આ યોજના અંતર્ગત દેશના વિભિન્ન ભાગમાંથી પલાયન કરી ચુકેલા લોકો પોતાના ગામ પહોચ્યા હતા અને સરકાર તેમને રોજગારી અપાવશે. સાથે સાથે આ અભિયાન દેશના છ રાજયોના ૧૧૬ જિલ્લામાં શરૂ કરવામાં આવશે. ૨૦ જૂનના રોજ અભિયાન શરૂ કરવાના અવસરે રાજયોના મુખ્યમંત્રી અને મંત્રાલયના મંત્રીઓ વિડીયો કોન્ફરસિંગ દ્વારા જોડાશે.

૫૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવી રહેલી યોજના કામદારોને ૨૫ પ્રકારના કામ આપશે. જે રાજયોમાં આ યોજનાનો ફાયદો મળશે તેમાં બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશા સામેલ છે. તેનો ફાયદો ૨૫ હજાર પ્રવાસી શ્રમિકોને મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સરકારનો દાવો છે કે, શ્રમિકોનું સ્કિલ મેપિંગ પણ કરવામાં આવ્યું છે.

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખાનગી ક્ષેત્ર માટે ૪૧ કોલ બ્લોકસની હરાજીની પ્રક્રિયાનું લોન્ચિંગ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, આજે આપણે માત્ર કોમર્શિયલ કોલ માઈનીંગ માટે હરાજીની પ્રક્રિયા શરૂઆત કરી નથી રહ્યા પરંતુ કોલ સેકટરને દાયકાઓના લોકડાઉનથી બહાર કાઢી રહ્યા છીએ.

(9:57 am IST)