Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

ચીન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીની તૈયારી !

લડાખમાં ભારતીય વિસ્તારમાં અડીંગો જમાવી બેઠેલા ચીની સૈનિકો અને તેમના મશીનો-ગાડીઓને ખદેડવા માટે

નવી દિલ્હી, તા. ૧૯ :. લડાખમાં ભારતીય વિસ્તારમાં હજુ પણ કબ્જો જમાવી બેઠેલા ચીની સૈનિકો અને તેમના તરફથી થઈ રહેલા નિર્માણ કાર્યો તથા મોટા - મોટા મશીનોને ખદેડવા માટે ભારત ટૂંક સમયમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી શકે છે. જો ચીન પીછેહઠ નહિ કરે તો બન્ને દેશો વચ્ચે સંઘર્ષ લાંબો ચાલે તેવી શકયતા છે તેથી પહેલા તૈયારીઓ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહી છે.

ગઈકાલે પણ બન્ને દેશો વચ્ચે ૬ કલાક મંત્રણા ચાલી હતી. વહેલી તકે લડાખનો વિસ્તાર ખાલી કરી દેવો જોઈએ. જ્યારે ગલવાન ઘાટીમાં ચીને પોતાની સેના જ નહિ સૈન્ય સામાન પણ ખડકી દીધો છે કે ત્યાં ૧૦૦થી વધુ ચીની ગાડીઓ મોજુદ છે એટલુ જ નહિ પથ્થર કાપતા મશીનો અને અન્ય ઉપકરણો પણ તૈનાત કર્યા છે.

સોમવારની રાત્રે બન્ને સૈન્ય વચ્ચે થયેલા સંઘર્ષ બાદ પ્રથમ બેઠકમાં જ ચીન સહમત થઈ ગયુ હતુ કે તે પીછેહઠ કરશે તેથી હજુ તેને એ બાબતે રાજી કરવા પ્રયાસો થઈ રહ્યા છે.

ભારત ૧૯૯૬ની સમજુતીનો ભંગ કરી કાર્યવાહી કરવા પણ વિચારે તેવી શકયતા છે. તે વખતે બન્ને દેશ એકબીજા પર હથીયાર ન ચલાવવા સહમત થયા હતા. સૂત્રોના કહેવા મુજબ ટૂંક સમયમાં જ નિયંત્રણ રેખા પર મોજુદ કમાન્ડરને જરૂરીયાત મુજબ હથીયારોનો ઉપયોગ કરવા છૂટ આપવામાં આવશે.

(9:56 am IST)