Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલાની સર્વ સંમતિથી વરણીઃ PM તેમને ખુરશી સુધી દોરી ગયા

કોંગ્રેસ- તૃણમુલ સહિતના પક્ષોનું સમર્થન : પીએમએ સ્પીકરને વખાણ્યા અને કહ્યું... તમારી નમ્રતાથી હું ડરૂ છું: કોઇ તેમની વિનમ્રતાનો દુરૂપયોગ ન કરે

નવી દિલ્હી, તા.૧૯: રાજસ્થાનના કોટા બેઠકથી બીજી વખત સાંસદ ચૂંટાયેલા ઓમ બિરલાની લોકસભામાં સ્પીકર તરીકે પસંદગી કરવામાં આવી છે. એનડીએ તરફથી ઓમ બિરલાને ઉમેદવાર જાહેર કરાયા બાદ વિપક્ષ દ્વારા કોઈ જ વિરોધ કરવામાં ન આવતા તેઓ સંસદના નીચલા ગૃહના અધ્યક્ષ પદે નિયુકત થયા છે. વડાપ્રધાને બિરલાના નામનો પ્રસ્તાવ મૂકયો હતો અને રાજનાથ સિંહ, અમિત શાહ અને નીતિન ગડકરીએ તેનું સમર્થન કર્યું હતું. કોંગ્રેસ સહિત વિપક્ષે પણ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ ધ્વનિ મતથી બિરલા ૧૭માં લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા.

વડાપ્રધાન મોદીએ બિરલાને લોકસભા સ્પીકર બનવા બદલ અભિનંદન આપ્યા હતા તેમજ તેમને સ્પીકર ચેર સુધી છોડવા પણ ગયા હતા. ઓમ બિરલા અંગે બોલતા વડાપ્રધાને જણાવ્યું કે મને તેમની નમ્રતાથી કોઈકોઈ વખત ડર લાગે છે. તેમની સાથે કામ કરવાના અનુભવમાંથી દ્યણું શીખવા મળ્યું હોવાનું પણ વડાપ્રધાન મોદીએ જમાવ્યું હતું. સૌમ્ય વ્યકિતત્વ ધરાવતા બિરલા ગૃહની ગરીમાને નવા સ્તરે લઈ જવા સક્ષણ છે તેમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું. વિપક્ષી સાંસદો તેમજ ટીએમસી અને કોંગ્રેસે પણ નવા સ્પીકરને શુભેચ્છા પાઠવી અને ગૃહની કામગીરી ચલાવવામાં સહયોગ આપવા આશ્વાસન પણ આપ્યું હતું.

વડાપ્રધા મોદીએ લોકસભાના સ્પીકર તરીકે નિયુકત થયેલા ઓમ બિરલાના વખાણ કરતા જણાવ્યું કે, તેઓ સંવેદનશીલ વ્યકિતત્વ ધરાવે છે. તેઓ અનુશાસનની દિશા આપવાની સાથે જ શ્રેષ્ઠ રીતે ગૃહની કામગીરી ચલાવશે તેનો મને વિશ્વાસ છે. કયારેક ડર લાગે છે કે તેમની નમ્રતાનો કોઈ દુરુપયોગ ના કરે. પહેલા લોકસભાના સ્પીકરને વધુ મુશ્કેલી પડતી હતી જો કે હવે ઉલટું છે. રાજયસભાના સ્પીકર માટે ગૃહ ચલાવવું વધુ મુશ્કેલ બન્યું છે.

કચ્છના મહાભુકંપ સમયે ઓમ બીરલાજીએ લાંબો સમય ભુજ સહિતના સ્થળોએ રહી મોટુ સેવાકાર્યનું પ્રદાન કર્યાનું નરેન્દ્રભાઇએ જણાવેલ. કોટામાં એકપણ વ્યકિત ભુખ્યો ના સુવે તેવી તેમની હમેશ નેમ રહેલ હોવાનું પણ વડાપ્રધાનશ્રીએ જણાવેલ

રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિરલા નિવિરોધ નવા લોકસભાના સ્પીકર પસંદ થયા હતા. અત્યાર સુધી વરિષ્ઠ સાંસદો દ્વારા લોકસભાના અધ્યક્ષ પદ સંભાળવાની પરંપરા રહી છે. અને ભાજપના સાંસદ  આ મામલે અપેક્ષાકૃત ઓછા અનુભવી મનાય છે. નરેન્દ્રભાઇએ ખુદ લોકસભા સ્પીકર પદ માટે બીરલાના નામનો પ્રસ્તાવ આપ્યો હતો. બિરલા  રાજસ્થાનના હાડૌતી અંચલથી દેશના પ્રમુખ સંવૈદ્યાનિક પદ ઉપર બિરાજનાર પહેલા નેતા છે. રાજકીય જાણકારો મુજબ બિરલા વિદ્યાર્થીકાળથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) સાથે  જોડાયેલા છે. ત્યાર બાદ તેમણે ભાજપ યુવા મોરચામાં જીલ્લા અને રાજય સ્તરે પણ કામ કર્યું છે.

ઓમ બિરલાએ ૨૦૦૩માં રાજસ્થાન, ધારાસભા ચૂંટણીમાં કોટાની દક્ષિણ બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા શાંતિ ધારીવાલને હરાવી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સતત ત્રણ વાર ધારાસભ્ય રહયા હતા. આ દરમિયાન ભાજપમાં બિરલાનું કદ સતત મજબુત થતુ રહયું. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે બિરલાને કોટા બેઠકથી લડાવ્યા હતા અને બિરલા જીત્યા હતા. બીજીવાર હમણાં જ યોજાયેલ લોકસભામાં ફરીથી તેમણે કોંગ્રેસના રામનારાયણ મીણાને ૨,૭૯,૬૭૭ મતોથી હરાવ્યા છે.

(3:24 pm IST)