Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

આઈએસઆઈએ ટેરર ફંડીંગ માટે નેપાળનો રસ્તો લીધોઃ હિઝબુલ, જૈશ અને તોઈબા નેપાળ સીમાએ નેટવર્ક મજબુત કરવા સક્રિય

કાશ્મીરમાં ભીંસ વધતા પાકિસ્તાનની જાસુસી સંસ્થા : તોઈબાનો હેન્ડલર મંડી કોલકત્તા આંટો મારી ગયોઃ કાશ્મીરના ૬ થી વધુ સ્થાનિક આતંકિઓ નેપાળ જઈ આવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈએ કાશ્મીરમાં આતંકિઓ અને અલગાવવાદીઓની મદદ માટે નવું નેટવર્ક ઉભુ કરી રહી છે. આઈએસઆઈએ આતંકિઓને ફંડ આપવા માટે પાડોશી દેશ નેપાળનો  સહારો લેવાનું શરૂ કર્યાનું જાણવા મળી રહ્યું છે. ખુફીયા માહિતિ મુજબ નેપાળમાં નેટવર્ક મજબુત કરવા માટે માર્ચ અને એપ્રીલમાં કાશ્મીરના ઓછામાંઓછા ૬ સ્થાનિક આતંકિઓ નેપાળ ગયા હતા. આ દરમિયાન આતંકિઓએ હિઝબુલ મુઝાહિદિન અને જૈશ-એ- મોહમ્મદના હેન્ડલરો સાથે મુલાકાત કરી હતી. ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ આતંકિ હુમલા બાદ આતંકિઓના તાર નેપાળ સાથે જોડાયેલ હોવાનો ખુલાસો થયેલ.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નેપાળમાં હિઝબુલ અને જૈશ- એ- મોહમ્મદ ઝડપથી પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યું છે. સાથો સાથ લશ્કર- એ- તોઈબાનો હેન્ડલર મોહમ્મદ ઉમર મંડી પણ નેપાળની ભારત સાથેની સીમા પાસેના શહેરોમાં પોતાનું નેટવર્ક મજબુત કરી રહ્યો છે.

જાણવા મળ્યા મુજબ ગોરખપુર, ફૈઝાબાદ અને દરભંગામાં આતંકિ સંગઠનો ઝડપથી પકડ મજબુત બનાવી રહ્યા છે. તોઈબા હેન્ડલર મંડીએ નેટવર્ક મજબુત કરવા કોલકત્તા પણ ગયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જાસુસી સંસ્થાઓ તરફથી ગૃહખાતાને સોંપાયેલ  રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે પુલવામાં હુમલા બાદ પણ ૧૦ આતંકિઓએ કાશ્મીર ઘાટીમાં પ્રવેશ કર્યો છે. આતંકીઓના નવા નેટવર્કની ખબર પડયા બાદ ભારતની જાસુસી સંસ્થાઓએ નેપાળની એજન્સીઓની સાથે મળીને ઓપરેશન શરૂ કરી દીધુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે કાશ્મીરમાં ઠાર મરાયેલ પુલવામા હુમલા સાથે જોડાયેલ આતંકિ સાજીદ બટ અને તૌસિફ બટની ભાળ પણ નેપાળથી જ મળી હતી.

(1:10 pm IST)