Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

કલકત્તામાં પૂર્વ મિસ ઇન્ડિયાની જાહેરમાં છેડતી

૭ આરોપીની ધરપકડ

કોલકતા, તા.૧૯: પશ્યિમ બંગાળના પાટનગર કોલકાતામાં પૂર્વ મિસ ઈન્ડિયા ઉશોશી સેના ગુપ્તાની સાથે કેટલાક યુવકોના એક જૂથે છેડતી કરી. ઉશોશી સેના જે કેબમાં જઈ રહી હતી, તેના ડ્રાઇવરની સાથે આરોપીઓએ મારપીટ કરી. પોલીસે હવે મામલામાં સાત આરોપીઓની ધરપકડ કરી છે.

ઉશોશીનું કહેવું છે કે ૧૮ જૂને કામ પૂરું કરીને પોતાના સહકર્મીની સાથે ઘરે જઈ રહી હતી. જે કેબમાં તે સવાર હતી, તેના ડ્રાઇવરની સાથે રસ્તામાં કેટલાક યુવકોએ મારપીટ કરી. કેબ રોકીને હોબાળો કર્યો. ઉશોશીએ જયારે પોલીસની મદદ માંગી તો એવું કહીને ના પાડી દીધી કે આ મામલો તેમના પોલીસ સ્ટેશનના હદમાં નથી આવતો.

પોલીસને ફરિયાદ કરવા પર આરોપીઓએ ઉશોશીનો પણ પીછો કરવા લાગ્યા. ઉશોશીને ઘરની પાસે ઘેરીને આરોપીઓએ છેડતી કરી. તેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ઉશોશીનો આરોપ છે કે વીડિયોમાં જોવા મળતાં યુવકોએ તેની સાથે છેડતી કરી હતી.

ઉશોશીએ ફેસબુક પોસ્ટ લખી પોતાની સાથે થયેલા ચોંકાવનારા અનુભવને શેર કર્યો છે. આ પોસ્ટમાં તેણે જણાવ્યું કે રાત્રે યુવકોના એક જૂથે કેવી રીતે તેને હેરાન કરી અને કેવી રીતે પોલીસે મામલામાં બેદરકારી દર્શાવી.

ઉશોશીએ ઘટનાનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં યુવકોનું એક જૂથ તેને અને તેના ડ્રાઇવરને હેરાન કરતાં જોવા મળે છે. તેની સાથે જ તેઓએ કારના તૂટેલા કાચની પણ એક તસવીર શેર કરી છે.(૨૩.૧૨)

(11:29 am IST)