Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

એક રાષ્ટ્રઃ એક ચૂંટણી મુદ્દે પીએમ મોદીની સર્વપક્ષીય બેઠક આજે

મમતા બેનરજી હાજર નહિ રહે

નવી દિલ્હી, તા.૧૯: એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મુદ્દે આજે સર્વપક્ષીય બેઠક થશે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બોલાવી છે. તમામ પાર્ટીઓના પ્રમુખોને બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા છે જેમના લોકસભા કે રાજયસભામાં ઓછામાં ઓછા એક સભ્ય છે. આ બેઠકમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો વિચાર, ૨૦૨૨માં આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી, મહાત્મા ગાંધી ૧૫૦માં જયંતી વર્ષને ઉજવવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ વડાપ્રધાન મોદી તરફથી એક રાષ્ટ્ર, એક ચૂંટણી વિષય પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં પોતાના વલણને લઈ બુધવાર સવારે નિર્ણય કરશે. કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મંગળવાર સાંજે યૂપીએના સાથી પક્ષોની બેઠક થઈ. જોકે, એક રાષ્ટ્ર, એક ચૂંટણી વિષય પર કોઈ નિર્ણય નથી થયો. બેઠક બાદ આ વિશે પૂછાતાં સોનિયા ગાંધીએ કહ્યું કે, આ અંગે આપને કાલે જણાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ અને સહયોગી પાર્ટી બુધવાર સવારે સંસદ ભવનમાં મુલાકાત બેઠક કરશે જેમાં એ નિર્ણય થશે કે વડાપ્રધાન તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં તેમનું વલણ શું રહેશે.

પશ્યિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી દ્વારા બોલાવવામાં આવેલ બધા પાર્ટી અધ્યક્ષોની બેઠકના નિમંત્રણનો અસ્વિકાર કર્યો છે. આ બેઠક બુધવારે માટે નિર્ધારિત છે. મમતા બેનરજીએ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને એક પત્ર લખીને બેઠકમાં ભાગ લેવાથી ઇન્કાર કરી દીધો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે વન નેશન, વન ઇલેકશનના મુદ્દા ઉપર ઘણી લાંબી ચર્ચા કરવી જોઈએ.

મમતા બેનરજીએ સલાહ આપતા કહ્યું હતું કે આ વિષય ઉપર સંક્ષિપ્ત નોટિસ ઉપર વ્યકિતગત રુપથી બોલાવવાના બદલે બધી રાજનીતિક પાર્ટીઓને શ્વેતપત્ર આપીને પોતાના વિચાર પ્રગટ કરવા માટે પુરતો સમય આપવો જોઈએ. જોકે તેમણે એ પૃષ્ટી કરી છે કે તેમની પાર્ટી સ્વતંત્રતા દિવસની ૭૫મી વર્ષગાંઠ અને મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી સમારોહમાં ભાગ લેશે.

(10:14 am IST)