Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રાજસ્થાન રોયલ્સનો અંતિમ ઓવરમાં 4 વિકેટથી પંજાબ સામે વિજય :જયસ્વાલ અને પડિક્કલએ ફિફટી ફટકારી

રાજસ્થાને સિઝનની પોતાની અંતિમ લીગ મેચમાં શાનદાર પ્રદર્શન દર્શાવ્યુ

રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ધર્મશાળામાં મેચ રમાઈ હતી. પંજાબ કિંગ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ખરાબ શરુઆત અને તોફાની અંત સાથેની રમત રમતા 187 રનનો સ્કોર 5 વિકેટના નુક્શાને નોંધાવ્યો હતો. રાજસ્થાન રોયલ્સે લક્ષ્યને પાર કરવા માટે શરુઆત આક્રમક કરી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિક્કલે અડધી સદી નોંધાવી હતી. અંતમાં રાજસ્થાને અંતિમ ઓવરમાં 4 વિકેટથી પંજાબ સામે જીત મેળવી હતી.

રાજસ્થાનને થોડી ઘણી ધૂંધળી આશાઓ પ્લેઓફ માટે જણાઈ રહી છે. જોકે તેના માટે ચમત્કાર જ કંઈક કરી શકે છે, જેની સંભાવનાઓ નથી.  બીજી તરફ હાર સાથે જ પંજાબ કિંગ્સની સફર અહીં સમાપ્ત થઈ ચુકી છે. આમ રાજસ્થાને સિઝનની પોતાની અંતિમ લીગ મેચમાં શાનદાર પ્રદર્શન દર્શાવ્યુ હતુ.

  રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને રનચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ. યશસ્વી જયસ્વાલે પ્રથમ ઓવરમાં જ ત્રણ ચોગ્ગા ફટકારીને રાજસ્થાનના મૂડના અણસાર બતાવી દીધા હતા. પાવર પ્લેમાં જ ટીમનો આંકડો 50ને પાર થઈ ગયો હતો. જોકે ઓપનિંગ જોડી માત્ર 12 રનની ભાગીદારી જ કરી શકી હતી. બીજી ઓવરમાં 3 ડોટ બોલ રમ્યા બાદ જોસ બટલરે શૂન્યમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ દેવદત્ત પડિક્કલ અને યશસ્વી જયસ્વાલે રમતને સંભાળી હતી. બંને વચ્ચે 70 થી વધારે રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. પડિક્કલે અડધી સદી નોંધાવતા 30 બોલમાં 51 રન નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.

   સંજૂ સેમસન માત્ર 2 જ રન નોંધાવીને પરત ફર્યો હતો. તે ત્રીજી વિકેટના રુપમાં રાજસ્થાનના 90 રનના સ્કોર પર પરત ફર્યો હતો. ઓપનર જયસ્વાલ અને શિમરોન હેટમાયરે રમતને લક્ષ્ય તરફ આગળ વધારી હતી. જયસ્વાલે 36 બોલમાં 50 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. જયસ્વાલે 8 ચોગ્ગા નોંધાવ્યા હતા. હેટમાયરે 28 બોલમાં 46 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે તે જીત પહેલા જ ધવનના હાથમાં કેચ ઝડપાઈને પરત ફર્યો હતો. રિયાન પરાગે 12 બોલનો સામનો કરીને 2 છગ્ગાની મદદ વડે 20 રન નોંધાવ્યા હતા. ધ્રૂવ જૂરેલે 4 બોલમાં જ 10 રન અણનમ નોંધાવી ટીમને વિજયી લક્ષ્ય સિક્સર ફટકારી પાર કરાવ્યુ હતુ.

   
(12:09 am IST)