Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

પાકિસ્‍તાનમાં બબાલ ખતમ કરાવશે અમેરિકા ?

૬૬ જેટલા સંસદ સભ્‍યોએ સરકારને દખલગીરી કરવાની અપીલ કરી છે, કંઈક નવાજૂની થવાની આશા

નવી દિલ્‍હી, તા.૧૯: પાકિસ્‍તાનમાં પાછલા એક મહિનાથી ભયંકર બબાલ અને અરાજકતા ઊભી થઈ છે અને બીજી બાજુ દેશમાં ભયંકર મોંઘવારીએ માઝા મૂકી છે અને લોકોમાં અસંતોષ છે. બીજી બાજુ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને બે વિકલ્‍પ આપવામાં આવ્‍યા છે અને દેશ છોડીને ભાગી જવા અથવા ફાંસીનો સામનો કરવાની ઓફર કરવામાં આવી છે ત્‍યારે અમેરિકા હવે વચમાં પડશે અને બબાલ ખતમ કરાવશે તેવી સંભાવના વ્‍યકત કરવામાં આવી રહી છે.

અમેરિકાના ૬૬ જેટલા સંસદ સભ્‍યોએ સરકારને એવી અપીલ કરી છે કે પાકિસ્‍તાનમાં જે ભયંકર પરિસ્‍થિતિ ફેલાઈ રહી છે તેને અટકાવવા માટે અમેરિકા સરકારે દખલ કરવી જોઈએ.સંસદ સભ્‍યોએ અમેરિકા પ્રમુખ ના વહીવટી તંત્રને તેમજ વિદેશ મંત્રીને એવી અપીલ કરી છે કે પાકિસ્‍તાનમાં લોકતંત્ર અને માનવ અધિકારોની રક્ષા કરવા માટે અમેરિકાએ પ્રયાસ કરવો જોઈએ અને હકારાત્‍મક રીતે પાકિસ્‍તાનની ભયંકર પરિસ્‍થિતિને સુધારવા માટે દખલગીરી કરવી જોઈએ અને હવે તે સમય આવી ગયો છે.

સંસદ સભ્‍યોએ એમ પણ કહ્યું છે કે પાકિસ્‍તાનમાં દરરોજ જે રીતે પરિસ્‍થિતિ બગડી રહી છે તેને જોઈને અમે અમારી ચિંતા તમારી સામે વ્‍યકત કરીએ છીએ અને અમેરિકાની સરકારે હવે બબાલ ખતમ કરવા માટે તત્‍કાલ દખલગીરી કરવી જોઈએ

(4:42 pm IST)