Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

કર્ણાટકમાં કોંગ્રેસની હજુ તો સરકાર રચાઈ નથી ત્‍યાં લોકોએ વીજ બિલ ભરવાનો જ ઈનકાર કરી દીધો!

કોંગ્રેસે તેના ઢંઢેરામાં લોકોને ૨૦૦ યુનિટ વીજળી મફતમાં આપવાનું વચન આપ્‍યું હતું : કર્ણાટકના કોપ્‍પલ, કલબુર્ગી અને ચિત્રદુર્ગ જિલ્લાના કેટલાક ગામોમાં લોકોએ વીજળીનું બિલ ભરવાનો ઇનકાર કર્યો

 બેંગ્‍લોર,તા.૧૯ : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્‍ય વિજય થયો છે પરંતુ સરકાર હજુ બની નથી. ત્‍યારે કોંગ્રેસે ચૂંટણી પહેલા જે વચનો આપ્‍યા હતા તે પુરા કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરવા લાગ્‍યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે વચન આપ્‍યું હતું કે જો તેમની સરકાર બનશે તો લોકોને ૨૦૦ યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. અહેવાલ અનુસાર કર્ણાટકમાં સરકાર બનવાની બાકી હોવા છતાં લોકોએ વીજળીના બિલ ભરવાની ના પાડી દીધી છે!

 અહેવાલ અનુસાર કર્ણાટકના કોપ્‍પલ, કલબુર્ગી અને ચિત્રદુર્ગ જિલ્લાના કેટલાક ગામોમાં લોકોએ વીજળીનું બિલ ભરવાનો ઇનકાર કરી દીધો છે. ખરેખર તો કર્ણાટક કોંગ્રેસે તેના ઢંઢેરામાં લોકોને ૨૦૦ યુનિટ વીજળી મફતમાં આપવાનું વચન આપ્‍યું હતું. આવી સ્‍થિતિમાં વીજ વિભાગના કર્મચારીઓ જ્‍યારે કેટલાક ગામોમાં વીજ બિલ લઈને પહોંચ્‍યા ત્‍યારે લોકોએ બિલ ભરવાનો ઈન્‍કાર કરી દીધો હતો.

લોકો કહે છે કે કોંગ્રેસે મફત વીજળીનું વચન આપ્‍યું હતું અને અમે કોંગ્રેસને વોટ આપ્‍યો અને કોંગ્રેસ જીતી એટલે મફત વીજળી મેળવવાના હકદાર બની ગયા. લોકોએ વીજ વિભાગના કર્મચારીઓને સ્‍પષ્ટપણે કહી દીધું છે કે તેઓ વીજળીનું બિલ લઈને તેમની પાસે ન આવે કારણ કે તેઓ બિલ નહીં ભરે. લોકો કહે છે કે હવે ગમે તે થાય અમે બિલ નહીં ચૂકવીએ.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પાંચ ગેરન્‍ટી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તેનો ફાયદો કોંગ્રેસને મળ્‍યો તે ચૂંટણી પરિણામો પરથી સ્‍પષ્ટ છે. જો કે, હવે કોંગ્રેસ સરકારે આ પાંચ ગેરન્‍ટી યોજનાઓ લાગુ કરવામાં ઘણો સંઘર્ષ કરવો પડશે. વાસ્‍તવમાં, કર્ણાટકમાં વીજળી સપ્‍લાય કરતી કંપનીઓ પહેલેથી જ વીજળીના દરમાં વધારો કરવાની માંગ કરી રહી છે. વીજ કંપનીઓની આવકમાં ૪ હજાર કરોડથી વધુનો તફાવત છે. કર્ણાટકની જેમ કોંગ્રેસે મધ્‍યપ્રદેશમાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.

(4:37 pm IST)