Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

નવ નિયુકત જજ કે. વી. વિશ્‍વનાથનની ઓળખ

વકીલમાંથી સુપ્રિમ કોર્ટમાં જજ બનનાર ૧૦માં વકિલ ૭ વર્ષ પછી સીજેઆઇ પણ બની શકે છે

નવી દિલ્‍હી તા. ૧૯: આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ પ્રશાંતકુમાર મિશ્રા અને સીનીયર એડવોકેટ કે. વી. વિશ્‍વનાથને આજે સુપ્રિમ કોર્ટના જજ તરીકેના શપથ લીધા છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમે ૧પ મે એ સીનીયર એડવોકેટ વિશ્‍વનાથન અને જસ્‍ટીસ મિશ્રાના નામ સુપ્રિમ કોર્ટમાં જજ તરીકે નિયુકતી માટે ભલામણ કરી હતી. જે કેન્‍દ્ર સરકારે મંજુર કરી હતી.

કોલેજીયમ એડવોકેટ નાગેન્‍દ્ર નાઇકને કર્ણાટક હાઇકોર્ટના જજ તરીકે નિયુકત કરવાની પોતાની ભલામણ પાછી ખેંચવા વિચારી રહી છે. એડવોકેટ નાઇકને જજ બનાવવાની ભલામણ અત્‍યાર સુધીમાં ૪ વાર કરાઇ પણ કેન્‍દ્ર સરકારે તેને ફગાવી દીધી હતી. નાઇક કર્ણાટક વિધાનસભાની ચુંટણી પણ લડયા જેમાં તેમને કારમી હાર મળી હતી. ત્‍યાર પછી તેમને જજ બનાવવાની ભલામણ પાછી ખેંચવાની તૈયારી કરાઇ રહી છે.

વર્તમાન સીજેઆઇ ચંદ્રચૂડનો કાર્યકાળ આગામી વર્ષના નવેમ્‍બર સુધી છે. સીનીયોરીટી અનુસાર નિમણૂંક થાય તો જસ્‍ટીસ સંજીવ ખન્‍ના, જસ્‍ટીસ ગવઇ, જસ્‍ટીસ સૂર્યકાંત, જસ્‍ટીસ નાગરત્‍ના, જસ્‍ટીસનરસિંહા અને જસ્‍ટીસ પારડીવાલા આ ક્રમમાં સીજેઆઇ બનવાની લાઇનમાં છે.કે. વી. વિશ્‍વનાથન જજ તરીકે સુપ્રિમ કોર્ટમાં ર૪ મે ર૦૩૧ સુધી રહેશે. અત્‍યારે જે જજો છે તેમાં જસ્‍ટીસ પારડીવાલા સૌથી છેલ્લે ૧૧ ઓગસ્‍ટ ર૦૩૦ના રોજ સીજેઆઇ તરીકે રીટાયર થશે. ત્‍યાર પછી વિશ્‍વનાથનને ચીફ જસ્‍ટીસનું પદ મળી શકે છે.

ર૬ મે ૧૯૬૬ના જન્‍મેલ વિશ્‍વનાથનનો પરિવાર કાયદાના ક્ષેત્ર સાથે જોડાયેલ છે. કોઇમ્‍બતૂર લો કોલેજમાંથી કાયદાની ડીગ્રી મેળવીને તેમણે ૧૯૮૮ માં તમિલનાડૂ બાર કાઉન્‍સીલમાં પોતાનું રજીસ્‍ટ્રેશન કરાવીને વકિલાત શરૂ કરી હતી. ત્‍યાંથી તેઓ દિલ્‍હી આવ્‍યા અને સુપ્રિમ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. કે. વી. વિશ્‍વનાથન દેશના એડીશ્‍નલ સોલીસીટર જનરલ પણ રહી ચૂકયા છે. સુપ્રીમ કોર્ટમાં લગભગ બે દાયકાની પ્રેકટીસ પછી ર૦૦૯માં તેમને સીનીયર એડવોકેટ નિયુકત કરાયા હતા. વિશ્‍વનાથન તમામ પ્રકારના હાઇ પ્રોફાઇલ કેસો લડી ચૂકયા છે.

(4:35 pm IST)