Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ઓનલાઈન છેતરપિંડી કરતા ૩૬ લાખ એકાઉન્‍ટ બ્‍લોક કરવા વોટ્‍સએપને આદેશ

વોટ્‍સએપમાં ઈન્‍ટરનેશનલ ફ્રોડના બનાવો વધતા કેન્‍દ્રીય ટેલિકોમ મંત્રાલયનો મેટાને તાત્‍કાલિક પગલાં ભરવાનો નિર્દેશઃ અગાઉ ડિસેમ્‍બરમાં ૩૬ લાખ, ફેબ્રુઆરીમાં ૪૫ લાખ વોટ્‍સએપ એકાઉન્‍ટ બ્‍લોક કરાયા હતા

નવી દિલ્‍હીઃ કેન્‍દ્રીય ટેલિકોમ મંત્રાલયે વોટ્‍સએપને ઓનલાઈન છેતરપિંડીમાં સંડોવાયેલા ૩૬ લાખ એકાઉન્‍ટ્‍સ બ્‍લોક કરવાનો આદેશ આપ્‍યો હતો. વોટ્‍સએપ કોલ અને વીડિયો કોલના માધ્‍યમથી છેતરપિંડી વધી હોવાથી સરકારે આ આદેશ આપ્‍યો છે.

કેન્‍દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્‍ણવે કહ્યું હતું કે ઓનલાઈન છેતરપિંડી સાથે સંડોવાયેલા ૩૬ લાખ વોટ્‍સએપ એકાઉન્‍ટ્‍સ બ્‍લોક કરવાનો નિર્દેશ મેટા કંપનીને અપાયો છે. લોકોની ડિજિટલ સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ખાસ તો ઈન્‍ટરનેશનલ ફ્રોડના બનાવો ઝડપભેર વધી રહ્યાં છે. રેન્‍ડમ ઈન્‍ટરનેશનલ વીડિયો કોલથી ઓનલાઈન છેતરપિંડી કરતા આરોપીઓ નિર્દોષ લોકોને નિશાન બનાવે છે. પોતાની ડિજિટલ સુરક્ષા પ્રત્‍યે બેપરવાહ લોકો પાસેથી વિવિધ વિગતો મેળવી લેવામાં આવે છે અને તેના આધારે આર્થિક કૌભાંડ આચરવામાં આવે છે.

અગાઉ કેન્‍દ્ર સરકારના આદેશ બાદ ડિસેમ્‍બરમાં વોટ્‍સએપે ૩૫થી ૩૬ લાખ વોટ્‍સએપ એકાઉન્‍ટ્‍સ બ્‍લોક કર્યા હતા. એમાં ભારતીય એકાઉન્‍ટ્‍સ ઉપરાંત વિદેશી વોટ્‍સએપ એકાઉન્‍ટસનો પણ સમાવેશ થતો હતો. તે પછી જાન્‍યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન ૪૫ લાખ વોટ્‍સએપ એકાઉન્‍ટ્‍સ બ્‍લોક થયા હતા. આ એકાઉન્‍ટ્‍સ સામે સરકાર ઉપરાંત યુઝર્સની પણ ફરિયાદો આવી હતી. એ એકાઉન્‍ટ્‍સમાંથી છેતરપિંડીની એક્‍ટિવિટી ઉપરાંત અયોગ્‍ય રીતે પ્રમોશનની ફરિયાદ થઈ હતી.

(4:15 pm IST)