Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

અયોધ્યામાં રામ મંદિરમાં ૩૬૦૦ મૂર્તિઓના કોતરકામ દ્વારા હિંદુ ધર્મગ્રંથોની ભવ્ય ઝલક દર્શાવાશે

લખનૌ,તા.૧૯: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મંદિરને દરેક રીતે ભવ્ય બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેમાં સનાતન ધર્મના મૂલ્યોનો સમાવેશ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ ક્રમમાં અહીંના પથ્થરો પર ૩૬૦૦ મૂર્તિઓ કોતરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ગુરુવારે એક ફોટો શેર કરીને કહ્યું કે મંદિરમાં ૩૬૦૦ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે જે હિંદુ ધર્મગ્રંથો પર આધારિત હશે. આ મંદિરમાં ભગવાન રામ લાલાની મૂર્તિઓ સિવાય આ ૩૬૦૦ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા સોશિયલ મીડિયા પર તસવીરો સાથેની એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં સ્તંભો, પગથિયાં અને અન્ય સ્થાનો પર સુશોભિત કરવા માટે શાસ્ત્રીય ગ્રંથોમાં વર્ણવેલ કથાઓના આધારે સુંદર મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. આ મૂર્તિઓ બાંધકામ પ્રક્રિયાના સમયપત્રક મુજબ નિર્ધારિત સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે.

જણાવી દઈએ કે રામ મંદિરના નિર્માણનું ૫૦ ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. સૂત્રોનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં મંદિરનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ જશે. ભગવાન રામનું ભવ્ય સ્થળ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં તૈયાર થઈ જશે. તે જાન્યુઆરી ૨૦૨૪માં મકરસંક્રાંતિના દિવસે ભકતો માટે ખોલવામાં આવી શકે છે.

ભગવાન રામની મૂર્તિની વાત કરીએ તો, તે ૫૧ ઇંચની હશે, તેને ભગવાન રામ માટે બનાવેલા પ્લેટફોર્મ પર સ્થાપિત કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો મંદિરનો વિસ્તાર ૬૭ એકરથી વધારીને ૧૧૦ એકર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ મંદિર ૧૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચે બની રહ્યું છે.

નોંધનીય છે કે આ મંદિરનો શિલાન્યાસ વડાપ્રધાન મોદીએ ૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ કર્યો હતો. પીએમ મોદીએ ૫ ઓગસ્ટે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ મંદિરમાં એક મ્યુઝિયમ, ડિજિટલ આર્કાઇવ સેન્ટર અને રિસર્ચ સેન્ટર પણ હશે.

(1:28 pm IST)