Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

નાની બચત યોજનાઓમાં સીનીયર સીટીઝનોનું મોટુ રોકાણ

બજેટમાં સીનીયર સીટીઝનો માટેની ડીપોઝીટ લીમીટ વધારાતા : એપ્રિલમાં રોકાણ ત્રણ ગણુ વધીને પહોંચ્‍યું ૧૦,૦૦૦ કરોડ રૂપિયા

નવી દિલ્‍હી,તા. ૧૯ : નાણા મંત્રાલયના એક સીનીયર અધિકારીએ કહ્યું કે એપ્રિલ મહિનામાં સરકારની સીનીયર સીટીઝનો માટેની નાની બચત યોજનાનું કલેકશન ૩ ગણાથી પણ વધી ગયું હતું. ડીપોઝીટની લીમીટ બજેટમાં ડબલ કરાયા પછી લોકો તેનો લાભ લઇ રહ્યા છે.

અધિકારીએ કહ્યું કે સામાન્‍ય રીતે એપ્રિલ મહિનામાં લગભગ ૩૦૦૦ કરોડ જેટલી ડીપોઝીટ થતી હોય છે. પણ ડીપોઝીટની લીમીટ વધારાયાના પહેલા જ મહિને ડીપોઝીટ ૧૦,૦૦૦ કરોડને પાર જતી રહી છે. તેમને આશા છે કે ડીપોઝીટનું આ વલણ આગામી મહિનાઓમાં પણ આવું જ મજબુત રહેશે.

૨૦૨૪ના નાણાકીય વર્ષના બજેટમાં સીનીયર સીટીઝન માટેની બચત યોજનાઓની ડીપોઝીટ લીમીટ ૧૫ લાખથી વધારીને ૩૦ લાખ કરાઇ છે. આ યોજનામાં ૮.૨ ટકા જેટલુ આકર્ષક વ્‍યાજ મળી રહ્યું છે. વ્‍યાજદર ત્રણ મહીને ચુકવાતુ હોય છે.

અધિકારીએ કહ્યું, ‘સીનીયર સીટીઝન બચત યોજનામાં ડીપોઝીટ લીમીટ વધારાતા પહેલા જ મહિને બહુ સારો રીસ્‍પોન્‍સ જોવા મળ્‍યો છે. અને આશા છે કે તે આગામી મહિનાઓમાં પણ ચાલુ રહેશે.'

રાષ્‍ટ્રીય નાની બચત યોજનાઓ હેઠળ થતુ કલેકશન સરકારે બજારમાંથી ઉછીના લેવા પડતા નાણાનું ભારણ ઘટાડે છે.

(11:28 am IST)