Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

તહવ્‍વુર રાણાને અમદાવાદ પણ લવાશે

મુંબઇ હુમલાનો અપરાધી ૨૦૦૮માં અમદાવાદની હોટલમાં રોકાયો હતો

મુંબઇ તા. ૧૯ : ૨૬/૧૧ના મુંબઇ આતંકી હુમલા અંગેના સમાચારો હજુ આવતા જ રહે છે. તદ્દન નવા સમાચાર એ છે કે ભારતના સૌથી કાળા દિવસોમાં એક એવા ૨૬/૧૧ના આતંકી હુમલાનો એક મહત્‍વનો આરોપી તહવ્‍વુર રાણા (૬૨) હુમલા થોડા દિવસ પહેલા અમદાવાદની એક હોટલમાં રોકાયો હતો. ભારતે ૧૦ જૂન ૨૦૨૦ના રોજ રાણાને ભારતને સોંપવા માટે ધરપકડ કરવા વિનંતી કરી હતી. બાઇડન પ્રશાસને તેને ટેકો આપ્‍યો હતો અને સોંપણીને મંજૂરી આપી હતી. અમેરિકાની એક કોર્ટે બુધવારે રાણાને ભારતને સોંપવાનો આદેશ આપ્‍યો હતો.

પાકિસ્‍તાનનો વતની રાણા શિકાગોમાં ઇમીગ્રેશનનો ધંધો ચલાવતો હતો. તે અમદાવાદના મીઠાખળી વિસ્‍તારની એક લકઝુરીયસ હોટલમાં પોતાની પત્‍ની સમરાઝ અખ્‍તર સાથે નવેમ્‍બર ૧૮ અને ૧૯ વર્ષ ૨૦૦૮માં રોકાયો હતો. આ હુમલાના અન્‍ય એક આરોપી ડેવીડ કોલમેન હેડલીની જાન્‍યુઆરી ૨૦૧૦માં એફબીઆઇ દ્વારા ધરપકડ પછી શહેરની સ્‍પેશ્‍યલ બ્રાંચ પોલીસને ખબર પડી હતી. પાકિસ્‍તાની અમેરિકન એવા હેડલીએ પોતાના સ્‍ટેટમેન્‍ટમાં કહ્યું હતું કે, તે અને રાણા પાકિસ્‍તાનમાં શાળાના સમયથી મિત્રો હતા. ૨૦૦૬માં ઉનાળાની શરૂઆતમાં હેડલી અને લશ્‍કરના બે સભ્‍યોએ મુંબઇમાં પોતાની કામગીરીને છાવરવા માટે ઇમીગ્રેશન ઓફિસ શરૂ કરવા વિચારણા કરી હતી. હેડલી અત્‍યારે અમેરિકાની જેલમાં છે.

રાણા પણ અમેરિકામાં ઝડપાઇ ગયો હતો અને અમેરિકન કોર્ટે તેને લશ્‍કર એ તૈયબાને સાથ આપવાના આરોપ હેઠળ ૨૦૧૧ની ૯ જૂને તેને ૧૪ વર્ષની જેલની સજા આપી હતી. પાકિસ્‍તાનનુ આ આતંકવાદી જૂથ મુંબઇ હુમલા માટે અને ડેન્‍માર્કની એક અન્‍ય આતંકી ઘટના માટે જવાબદાર ઠેરવાયું હતું.

(11:43 am IST)