Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ગૌતમ અદાણીને ૧,૨૦,૮૨,૭૪,૮૩,૦૦૦ રૂપિયાનો ફટકો

નેટવર્થમાં $૧.૪૬ બિલિયનનો ઘટાડો થયો : વિશ્વના અમીરોની યાદીમાં એક સ્‍થાન સરકી ગયું : માર્ક ઝકરબર્ગની રેકોર્ડ કમાણી : ટોપ ૧૦ની નજીક પહોંચી ગઇ છે

નવી દિલ્‍હી તા. ૧૯ : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો ઘટાડો જોવા મળ્‍યો હતો. બ્‍લૂમબર્ગ બિલિયોનેર ઇન્‍ડેક્‍સ અનુસાર, અદાણીની નેટવર્થમાં $૧.૪૬ બિલિયન એટલે કે ૧,૨૦,૮૨,૭૪,૮૩,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. તેમની કુલ સંપત્તિ હવે $૫૨.૪ બિલિયન છે અને તે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં એક સ્‍થાન નીચે ૨૪મા સ્‍થાને આવી ગયો છે. ગયા વર્ષે અદાણી આ યાદીમાં બીજા સ્‍થાને પહોંચી હતી. તેમની કુલ સંપત્તિ $૧૫૦ બિલિયન સુધી પહોંચી ગઈ હતી. પરંતુ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને કારણે ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો છે. આ વર્ષે અદાણીની નેટવર્થમાં $૬૮.૧ બિલિયનનો ઘટાડો થયો છે. આ વર્ષે સૌથી વધુ નેટવર્થ ગુમાવવાના મામલે અદાણી નંબર વન પર છે.

દરમિયાન, ગુરૂવારે ભારત અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો હતો. તેમની નેટવર્થ $૩૮૯ મિલિયન ઘટીને $૮૩.૬ બિલિયન થઈ છે. આ વર્ષે અંબાણીની કુલ સંપત્તિમાં $૩.૪૯ બિલિયનનો ઘટાડો થયો છે. વિશ્વના અમીરોની યાદીમાં અંબાણી ૧૩મા નંબરે છે. બીજી તરફ, મેટા પ્‍લેટફોર્મ્‍સ (અગાઉ ફેસબુક)ના સ્‍થાપક માર્ક ઝકરબર્ગ હવે આ યાદીમાં ૧૧માં નંબરે આવી ગયા છે. આ વર્ષે તેની નેટવર્થમાં સૌથી વધુ $૪૪.૭ બિલિયનનો વધારો થયો છે. ગુરૂવારે તેમની નેટવર્થ $૧.૫૬ બિલિયન વધીને $૯૦.૩ બિલિયન પર પહોંચી ગઈ છે. આ રીતે તે ફરી એકવાર ટોપ ૧૦માં સામેલ થવાના ઉંબરે પહોંચી ગયો છે.

વિશ્વના ટોચના ૧૦ અબજોપતિઓમાંથી માત્ર બેની નેટવર્થમાં ઘટાડો જોવા મળ્‍યો હતો. પ્રથમ ક્રમે રહેલા ફ્રાન્‍સના બર્નાર્ડ આર્નોલ્‍ટે $૧.૧૭ બિલિયનનું નેટવર્થ ગુમાવ્‍યું અને ૧૦માં નંબર પર રહેલા કાર્લોસ સ્‍લિમની નેટવર્થમાં $૭૮૧ મિલિયનનો ઘટાડો થયો. અન્‍ય તમામ અબજોપતિઓની નેટવર્થમાં વધારો જોવા મળ્‍યો હતો. આર્નોલ્‍ટ આ યાદીમાં $૨૦૦ બિલિયનની નેટવર્થ સાથે નંબર વન પર છે. એલોન મસ્‍ક ($૧૭૪ બિલિયન) બીજા, જેફ બેઝોસ ($૧૪૨ બિલિયન) ત્રીજા, બિલ ગેટ્‍સ ($૧૨૬ બિલિયન) ચોથા અને વોરેન બફે ($૧૧૬ બિલિયન) પાંચમા ક્રમે છે

(11:24 am IST)