Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ભારતમાં સંપત્તિ સર્જન વધશેઃ અબજોપતિ અને ધનકુબેરો પાંચ વર્ષમાં વધશે

રૂ. ૮.૨ કરોડની સંપત્તિ હોય એ દેશની સૌથી ધનવાન એક ટકા વસતીમાં સમાવેશ પામે છે : અત્‍યારે ૧૬૧ અબજોપતિ છે જે ૧૯૫ થઇ જશે : ધનકુબેરોની સંખ્‍યા વધી ૧૯,૧૧૯ થશે

નવી દિલ્‍હી,તા. ૧૯ : ભારતમાં આગામી પાંચ વર્ષમાં અબજોપતિઓની સંખ્‍યા ૧૬૧થી વધી ૧૯૫ થઇ જશે, જેમની સંપત્તિ ૩ કરોડ ડોલર (રૂ.૨૪૬ કરોડ)થી વધારે હોય તેવા વ્‍યક્‍તિઓ (અલ્‍ટ્રા હાઈ નેટવર્થ ઈન્‍ડીવીડયુઅલ)ની સંખ્‍યા ૨૦૨૨થી ૨૦૨૭માં ૫૮.૪ ટકા વધી ૧૯,૧૧૯ થઇ જશે એવી આગાહી રીઅલ એસ્‍ટેટ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એડવાઈઝરી ફર્મ નાઈટ ફ્રાંકે આજે બહાર પડેલા વેલ્‍થ રિપોર્ટ ૨૦૨૩માં કરી છે. સૌથી મહત્‍વની આગાહી છે કે દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા, વસતીના એક ટકા ભાગમાં હિસ્‍સો પામે તેવા લોકોની સંખ્‍યા પાંચ વર્ષમાં બમણી થઇ જશે.

અલગ અલગ દેશના આર્થિક વિકાસ, માથાદીઠ આવક અને અર્થતંત્રના કદના આધારે સૌથી વધુ ધનિક એક ટકા વસતીમાં સમાવેશ માટે અલગ અલગ માપદંડ છે. ભારતમાં ૧૦ લાખ ડોલર કે રૂ.૮.૨ કરોડની સંપત્તિ હોય તેવા લોકોને સૌથી ધનિક એક ટકા વ્‍યક્‍તિમાં સમાવેશ કરવામાં આવે છે. અત્‍યારે ૭૯,૭૧૪ લોકો આ ટોચના એક ટકામાંમાં સમાવેશ પામે છે. વર્ષ ૨૦૨૭માં તે ૧૦૭ ટકા કે બમણા થઇ ૧૬.૫ લાખ થઇ જશે. રિપોર્ટ અનુસાર, જેમની સંપત્તિ ૩ કરોડ ડોલર કરતા વધારે છે તેવા અલ્‍ટ્રા હાઈ નેટવર્થ ઈન્‍ડીવીડયુઅલની ભારતમાં અત્‍યારે સંખ્‍યા ૧૨,૦૬૯ છે. 

આ રિપોર્ટ અનુસાર વિશ્વમાં અલ્‍ટ્રા હાઈ નેટવર્થ ધરાવતી વ્‍યક્‍તિઓની સંખ્‍યા ૨૦૨૧માં ૯.૩ ટકા વધ્‍યા પછી ૨૦૨૨માં ૩.૮ ટકા ઘટી હતી. ઘટાડા માટે વ્‍યાજ દરમાં વધારા, અર્થતંત્રમાં મંદી, યુદ્ધ જેવી ઘટનાઓના કારણે બજારમાં રોકાણ ઉપર માઠી અસર જોવા મળતા તેમની સંપત્તિમાં ૨૦૨૨માં ઘટાડો જોવા મળ્‍યો હતો. વિશ્વની જેમ ભારતમાં પણ ૨૦૨૨માં આવા વ્‍યક્‍તિઓની સંખ્‍યામાં ૭.૫ ટકાનો ઘટાડો જોવા મળ્‍યો હતો.

જોકે, ૧૦ લાખ ડોલરથી વધારે સંપત્તિ ધરાવતા લોકોની સંખ્‍યા ભારતમાં ૪.૫ ટકા વધી હતી. આ ઉપરાંત, અબજોપતિઓની સંખ્‍યા પણ ભારતમાં ૧૧ ટકા જેટલી વધી હતી એમ રિપોર્ટ જણાવે છે.

છેલ્લા થોડા વર્ષોમાં ભારતીય અર્થતંત્રમાં પરંપરાગત અને અન્‍ય રીતે પ્રવૃત્તિ વધી રહી છે. ભારત વિશ્વમાં સ્‍ટાર્ટ અપના એક મુખ્‍ય કેન્‍દ્ર તરીકે આગળ વધી રહ્યું છે તેના કારણે પણ રોકાણ અને સંપત્તિ ભારતમાં આકર્ષાય રહી છે. આ ઉપરાંત, ઉત્‍પાદન, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારતમાં જંગી રોકાણ જોવા મળી રહ્યું હોવાથી આર્થિક વિકાસ ઝડપી બન્‍યો છે અને તેના કારણે સંપત્તિ સર્જન પણ જોવા મળી રહ્યું હોવાનું નાઈટ ફ્રાંકના ભારત ખાતેના ચેરમેન શિશિર બીજેલે જણાવ્‍યું હતું.

બીજી તરફ, અખાતના દેશોમાં પણ ઉદ્યોગ અને અર્થતંત્રમાં મૂડીરોકાણના દ્વાર ખુલ્‍યા છે. અહી ઉદ્યોગ કે વ્‍યાપાર શરુ કરવા માટે સરેરાશ ૨૦ થી ૩૦ લાખ ડોલરની જરૂર છે. આ રોકાણમાં સૌથી વધુ રોકાણ યુનાઈટેડ આરબ અમીરાત, ભારત અને બ્રિટનની આવી રહ્યું છે.

ભારતની વસતીમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોચના એક ટકા લોકોમાં સ્‍થાન પામવા માટે રૂપિયા ૧.૪૪ કરોડ કે ૧,૭૫,૦૦૦ અમેરિકન ડોલરની સીમા જોવા મળી છે. આ સીમા દરેક દેશમાં અલગ અલગ હોય છે.

(10:21 am IST)