Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

તૌકતે વાવાઝોડાના વિનાશની વાતો હજુ ચાલુ છે ત્યાં વધુ ઍક વાવાઝોડુ આકાર પામ્યુ

પશ્ચિમ બંગાળના સુંદરવનમાં સુપર સાયકલોન 'યાસ' ત્રાટકશે!

બંગાળના અખાતમાં લો પ્રેશર સર્જાયુ : દિવસે દિવસે તાકાત પકડતુ જાય છે : ૨૩ થી ૨૫ મે વચ્ચે લેન્ડફોલની શકયતા : ગયા વર્ષે કોલકતામાં ત્રાટકેલ 'અમ્ફાન' જેવો વિનાશ વેરશે? બાંગ્લાદેશ તરફ ચાલ્યુ જશે : 'યાસ' વાવાઝોડાનું નામ ઓમાને આપ્યુ : હવામાન તંત્ર સતત નજર રાખી રહ્યુ છે

મુંબઈ : બંગાળના અખાતમાં એલપીએ (લો પ્રેશર એરીયા) સર્જાયુ છે અને તે ૨૩મી સુધીમાં 'યાસ' વાવાઝોડામાં ફેરવાઈ જવાની સંભાવના હોવાનંુ તથા પશ્ચિમ બંગાળ અથવા બાંગ્લાદેશ તરફ અને મ્યાંમારની દિશામાં આગળ વધવાની શકયતા હોવાનું સ્કાયમેટના વાઈસ પ્રેસીડેન્ટ શ્રી મહેશ પાલાવતે તેમના ટ્વીટર એકાઉન્ટ ઉપર જણાવ્યુ છે. હજી આ પ્રાથમિક સંભાવના છે, વિશેષ હવે પછી વિગતો જાહેર થશે.

દરમિયાન આ 'સાયકલોન યાસ' મહાભયાનક સ્વરૂપ ધારણ કરી સુપર સાયકલોન બની સુંદરવનને હીટ કરે તેવી શકયતા ખાનગી હવામાન વર્તુળો ટ્વીટર ઉપર દર્શાવી રહ્યા છે.

દરમિયાન કોલકત્તાના સ્થાનિક હવામાન ખાતાના કહેવા મુજબ સુપર સાયકલોન 'યાસ' ૨૩ થી ૨૫ મે વચ્ચે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં લેન્ડફોલ કરી બાંગ્લાદેશ તરફ આગળ વધી જશે.

વાવાઝોડાનું નામ 'યાસ' ઓમાને આપ્યુ છે અને આ વાવાઝોડું ગયા વર્ષે ૧૯ મેના રોજ કોલકત્તા ઉપર ત્રાટકેલ મહાભયાનક 'અમ્ફાન' વાવાઝોડા જેવો વિનાશ વેરી શકે છે.

જો કે હવામાન ખાતુ હજુ આ 'યાસ' વાવાઝોડાની દિશા અને સ્પીડ અંગે ચોક્કસ નથી પરંતુ તેમણે કહેલ કે પૂર્વ મધ્ય બંગાળના અખાતમાં લો ડિપ્રેશન સર્જાયુ છે અને તેની તાકાતમાં પ્રત્યેક દિવસે વધારો થતો જાય છે અને આ અઠવાડીયાના અંતમાં તે જમીન ઉપર ત્રાટકે તે પૂર્વે 'સુપર સાયકલોન'નું રૂપ ધારણ કરી લેવાની પૂરી શકયતા છે. જો કે સુંદરવનમાં લેન્ડફોલ પછી બાંગ્લાદેશ તરફ આ 'યાસ' વાવાઝોડુ ગતિ કરી જશે તેમ હવામાન તંત્રના અધિકારીઓ માને છે. માછીમારોને દરિયામાં નહિં જવા ચેતવાયા છે.

(3:30 pm IST)