Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વડાપ્રધાને તારાજી નિહાળી : રાહત પેકેજ સંભવ

'તૌકતે' વાવાઝોડાએ વેરેલા વિનાશની જાતમાહિતી મેળવતા પીએમ મોદી : અમરેલી - ગીર સોમનાથ - દીવ - ભાવનગર જિલ્લાનું હવાઇ નિરીક્ષણ : વડાપ્રધાન સાથે એરિયલ સર્વેમાં હાજર રહ્યા સીએમ રૂપાણી : રજેરજની માહિતી આપી : બપોર બાદ અમદાવાદ પહોંચી વડાપ્રધાને અધિકારીઓ સાથે બેઠક યોજી : ૫૦૦ કરોડની રાહત જાહેર થાય તેવી શકયતા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં 'તાઉતે' વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ભાવનગર એરપોર્ટ ખાતે આવતા વિજયભાઈ રૂપાણી સહિતનાએ આવકાર્યા : ભાવનગરઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી  ગુજરાતમાં 'તાઉતે' વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના  હવાઈ નિરીક્ષણ  માટે આજે ભાવનગર  એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ભાવનગર હવાઈ મથકે  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ભાવનગરના મેયર કિર્તિબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા.(તસવીરઃ અહેવાલ મેઘના વિપુલ હિરાણી ભાવનગર)

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં બે દિવસમાં વાવાઝોડાએ ભારે નુકસાન કરતા અનેક જગ્યાએ સ્થિતિ વિકટ બની છે ત્યારે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં 'તાઉતે' વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઇ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ભાવનગર હવાઇ મથકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ભાવનગરના મેયર કિર્તીબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર ભાવનગર જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા.

ભાવનગરના મેયર કિર્તીબેન દાનીધરીયાએ અકિલાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગર એરપોર્ટ ખાતે ૧૦ મિનિટ રોકાણ કર્યું હતું અને ત્યાંથી સીધા જ હેલિકોપ્ટરમાં વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે નિકળી ગયા હતા અને પરત ૨ વાગ્યા આસપાસ આવીને એરપોર્ટથી જ અમદાવાદ જવા રવાના થયા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે બેઠક બાદ ગુજરાત માટે ૫૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરે તેવી શકયતા છે. સંકટના સમયમાં કેન્દ્ર સરકાર ગુજરાતની પડખે આવીને મદદ માટે તત્પરતા દર્શાવી છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર - અમરેલી - ગીર સોમનાથ જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું અને નુકસાનની જાણ માહિતી મેળવી હતી.

વાવાઝોડાએ વેરેલા વિનાશથી થયેલ નુકસાનની મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા અધિકારીઓ પાસેથી જાત માહિતી મેળવી હતી અને સહાયનું વચન આપ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લીધી હતી. તેઓ આજે બુધવારે નવી દિલ્હીથી હવાઇ માર્ગે ભાવનગર આવ્યા હતા અને એરપોર્ટથી જ સીધા હેલીકોપ્ટરમાં વાવાઝોડાગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે. પ્રધાનમંત્રી ત્યારબાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આંકલન કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી અમદાવાદથી હવાઇ માર્ગે નવી દિલ્હી જવા રવાના થયા હતા.

તૌકતે વાવાઝોડામાંથી હેમખેમ બહાર નીકળ્યા હોવાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દાવો કર્યો છે. તેમણે ગઇકાલે મીડિયા સંબોધનમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આ મામલે સતત સંપર્કમાં રહ્યા હતા. તેમનું માર્ગદર્શન મળ્યું હતું.

વાવાઝોડાએ ભાવનગરમાં ભારે નુકસાન પહોંચાડયું છે હજુ પણ શહેરમાં રસ્તા ઉપર વૃક્ષો અને ઇલેકટ્રીક થાંભલા પડયા છે અને શહેરના ૮૦ ટકા વિસ્તારમાં હજુ પણ લાઇટ બંધ છે. શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે દિલ્હીથી સીધા ભાવનગર આવી વાવાઝોડાની ખાના ખરાબીનું નિરીક્ષણ કર્યું હતું.

(3:10 pm IST)