Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વેકસીન ટુરીઝમઃ રૂસમાં ૨૪ દિવસઃ રસીના બે ડોઝઃ ખર્ચ રૂ. ૧.૩૦ લાખ

દિલ્હીની ટ્રાવેલ એજન્સીએ શરૂ કર્યુ વેકસીન ટુરીઝમઃ ૨૪ દિવસનું ટૂર પેકેજઃ સ્પૂટનિક-વી રસીના બે ડોઝ અપાશેઃ ૧૫મીએ પહેલુ જુથ મોસ્કો રવાના : રૂસની રસીના બે ડોઝ વચ્ચે ૨૧ દિવસનો સમય છેઃ પ્રથમ ડોઝ મોસ્કો પહોંચ્યા પછી તરત જઃ વચ્ચેના દિવસોમાં પ્રવાસીઓને રૂસની ટૂર

નવી દિલ્હી, તા. ૧૯ :. દિલ્હીની એક ટ્રાવેલ એજન્સીએ વેકસીન ટુરીઝમના ૨૪ દિવસના ટૂર પેકેજની ઓફર શરૂ કરી છે. આ ટૂર પેકેજ માટે તમારે લગભગ ૧.૩૦ લાખ રૂપિયા ચૂકવવા પડશે. જે હેઠળ તમને રૂસમાં સ્પૂટનિક-વી કોરોના વેકસીનના બે ડોઝ આપવામાં આવશે. આ દરમિયાન તમને રૂસમાં ફેરવવામાં આવશે. કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ મોસ્કો પહોંચ્યાના બીજા દિવસે આપવામાં આવશે.

હાલ ભારતમાં ઓવરસીઝ ટૂરીઝમનો ક્રેઝ સતત વધી રહ્યો છે અને હાલ મોસ્કો લોકોની પસંદગીનું સ્થળ બન્યુ છે. દિલ્હીની એક ટ્રાવેલ એજન્સીએ તો ૨૪ દિવસના ટૂર પેકેજની ઓફર શરૂ કરી છે. જેની કિંમત લગભગ ૧.૩૦ લાખ રૂપિયા છે. આ ટૂર પેકેજ હેઠળ રૂસ જઈને વેકસીન લગાવવા ઈચ્છુક લોકો બુકીંગ કરાવી શકે છે. રશીયન વેકસીનના બે ડોઝ વચ્ચે ૨૧ દિવસનો સમય છે અને એટલા દિવસમાં લોકોને ત્યાં મહત્વના સ્થળોએ ફરવા લઈ જવાશે.

ટ્રાવેલ એજન્સીના અધિકારીએ જણાવ્યુ હતુ કે મોસ્કો પહોંચ્યાના બીજા દિવસે પહેલો ડોઝ અપાશે. વિદેશી લોકો રૂસમાં જો ઓછામાં ઓછા ૭ દિવસ રહે તો તેઓ વેકસીન લગાવી શકે છે. આ માટે માત્ર અગાઉથી નોંધણી કરાવવી પડે જે ટ્રાવેલ એજન્સી કરે છે.

દિલ્હીની ટ્રાવેલ એજન્સીના જણાવ્યા પ્રમાણે વેકસીન ટુરીઝમનો પ્રથમ બેચ ૧૫મી મેએ મોસ્કો જવા રવાના થઈ ચૂકયો છે. જેમાં ૩૦ લોકો છે. મોટાભાગના ગુરૂગ્રામના ડોકટરો છે. જેમણે પહેલો ડોઝ લીધો છે. જ્યારે બીજો બેચ ૨૯મીએ રવાના થશે જેનુ બુકીંગ ફુલ થઈ ગયુ છે. જેમા પણ દિલ્હીના ડોકટરો છે. તે પછી જૂન મહિનામાં બીજી કેટલીક બેચ મોસ્કો જશે.

ટ્રાવેલ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ લોકોનું ગ્રુપ ૩ દિવસ સેન્ટ પીટસબર્ગમાં વિતાવે છે અને બાકીના દિવસો મોસ્કોમાં. આ પેકેજમાં વિમાનની ટીકીટ, બ્રેકફાસ્ટ, ડીનર અને કેટલાક દિવસ ત્યાં ફરવાનો ખર્ચ સામેલ છે. જો કે ૧૦,૦૦૦ રૂ.ની વિઝા ફી આ પેકેજનો હિસ્સો નથી. રૂસ એવા કેટલાક દેશોમાંથી એક છે જે ભારતીયોને વેકસીન માટે મંજુરી આપે છે. આ માટે તમારે નેગેટીવ પીસીઆર રીપોર્ટ લઈ જવાનો રહેશે અને ત્યાં પહોંચવા પર તમારે કોરન્ટાઈન પણ થવાનુ નથી.

(10:07 am IST)