Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

અમેરિકાની મોટી સિધ્ધીઃ વેકસીનનું માનવ ટ્રાયલ સફળ

કોરોના વેકસીનની ઉમ્મીદ વધી : અમેરિકી કંપનીની વેકસીન ટ્રાયલ સફળ : જુલાઇમાં ત્રીજા ચરણની કલીનિકલ ટ્રાયલઃ માનવ પરિક્ષણના સારા પરિણામો મળ્યા : અમેરિકી કંપની મોર્ડનાએ કરોડો લોકોમાં આશા જન્માવી

નવી દિલ્હી તા. ૧૯ : અત્યારે દુનિયામાં કેટલાય દેશો કોરોનાની રસી શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે. દુનિયાભરની તમામ લેબના વૈજ્ઞાનિકો દિવસ રાત એક કરીને રસીને જલ્દીમાં જલ્દી મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. તે દરમિયાન અમેરિકાની દવા કંપની મોર્ડનાએ કોરોના રસી બનવાની આશાઓ વધારી છે. કંપનીએ રસી બનાવવાની પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ તબક્કો પાર કરી દીધો છે. જણાવવામાં આવે છે કે કંપનીએ રસીની હ્યુમન ટ્રાયલ શરૂ કરી દીધી છે અને તેના પરિણામો પણ સારા મળ્યા છે. કંપનીએ કહ્યું છે કે, હ્યુમન કલીનીકલ ટ્રાયલના પ્રાથમિક પરિણામો સકારાત્મક આવ્યા પછી જુલાઇમાં રસીની ટ્રાયલનો ત્રીજો તબક્કો શરૂ થશે.

મળતી માહિતી અનુસાર, હવે જો ત્રીજો તબક્કો સફળ થશે તો કંપની રસી બનાવવાનું લાઇસન્સ મેળવવા અરજી કરી શકશે. જણાવી દઇએ કે મોર્ડના પહેલી દવા કંપની છે જેણે પોતાની આરએનએ આધારિત રસીની હ્યુમન ટ્રાયલ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કહી ચૂકયા છે કે વર્ષના અંત સુધીમાં કોરોનાની રસી આવી શકે છે.

મોર્ડના કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટીફન બેંસેલે કહ્યું કે, આજના પહેલા તબક્કાના સકારાત્મક આંકડાઓ સાથે અમારી ટીમ જુલાઇમાં ત્રીજા તબક્કાના અભ્યાસને શરૂ કરવા જેટલી બને તેટલી ઝડપે આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સફળતા મળે પછી અમે લાઇસન્સ માટે અરજી કરશું.

(11:25 am IST)