Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં કરૂણ મોત

બંને ભાઈઓ પશ્ચિમ બંગાળ પરિવાર સાથે ફરવા ગયા હતા ત્યારે બહેરામપુર પાસે વોલ્વો બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

રાજકોટ, તા. ૧૮ :. મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ તથા તેના નાના ભાઈ રવિ સહિત પરિવારજનો પશ્ચિમ બંગાળમાં ફરવા ગયા હતા. જ્યાં કલકત્તાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતા પરંતુ ફલાઈટ ચૂકી જતા કલકત્તાથી વોલ્વો બસમાં લલિતભાઈના પુત્ર વિશાલ સહિત બંને દંપતિ બહેરામપુર તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લલિતભાઈના પુત્ર વિશાલનું મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો હતો.

આ બનાવની જાણ થતા જ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ઉપલેટા-ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય અને પોરબંદર બેઠકના લોકસભાના ઉમેદવાર લલિતભાઈ વસોયા તાબડતોબ મૃતદેહને રાજકોટ લાવવા માટે વ્યવસ્થા કરી રહ્યા છે.

પરેશભાઈ ધાનાણીએ અકિલાને જણાવ્યુ હતુ કે, લલિતભાઈ કગથરા ઉપર અચાનક દુઃખદ ઘટના આવી પડી છે. બહેરામપુરથી પરત ફરતી વખતે દુઃખદ દુર્ઘટના સર્જાતા તેમા લલિતભાઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, ત્યારે તેમના મૃતદેહને તાત્કાલીક પોસ્ટમોર્ટમ કરીને રાજકોટ તેમના નિવાસ સ્થાને લાવવા માટેની વ્યવસ્થા કરવા માટે તંત્ર સાથે સંકલન કરવામાં આવ્યુ છે. લલિતભાઈ વસોયાએ જણાવ્યુ હતુ કે, પુત્રના નિધન અંગે હજુ સુધી લલિતભાઈ કગથરાને જાણ કરવામાં આવી નથી. પરિવાર પર આવી પડેલ દુઃખદ ઘટનામાં કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો તેમની સાથે છે અને ઘેરોશોક વ્યકત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લલિતભાઈ કગથરા રાજકોટ ખાતે પારસ સોસાયટી, નિર્મલા સ્કૂલ રોડ, 'કરમ' ૩૪-બી ખાતે રહે છે.

વિજયભાઈ રૂપાણીએ દુઃખની લાગણી  વ્યકત કરીઃ સ્થાનિક પ્રસાશન સાથે સંપર્કમાં

રાજકોટઃ કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દુઃખની લાગણી વ્યકત કરી છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પશ્ચિમ બંગાળમાં થયેલ માર્ગ અકસ્માતની વિગત પણ ધારાસભ્ય લલિતભાઈ કગથરાના ભત્રીજા જયેશભાઈ કગથરા પાસેથી મેળવી હતી અને ટેલીફોનીક વાતચીત બાદ પશ્ચિમ બંગાળના સ્થાનિક પ્રસાશન સાથે સંપર્કમાં રહીને વિશાલ કગથરાના પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ કરી પરત વતન રાજકોટમાં લાવવા માટે પણ વાતચીત કરી છે અને પશ્ચિમ બંગાળ તથા ગુજરાતના પ્રસાશન તંત્ર સાથે સતત સંપર્કમાં છે.

બન્ને પુત્રો તેમના ધર્મપત્નિ સાથે દિવ્યાંગ બાળકોને લઈને પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા'તા

રાજકોટઃ કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ તથા રવિ તેમના પત્નિ સાથે દિવ્યાંગ બાળકોને લઈને પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા હતા. જ્યાં બહેરામપુરા પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે લકઝરી બસનો એક બાજુનો ભાગ આખેઆખો ચિરાઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

ચૂંટણીના પરિણામ પહેલા જ લલીતભાઈના પુત્રના અવસાનથી ભારે શોક

રાજકોટ : પડધરી - ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળમાં અકસ્માતમાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આગામી તા.૨૩ને ગુરૂવારે લોકસભા ચૂંટણીનું પરિણામ છે. તે પહેલા લલીતભાઈ કગથરાના પુત્રના મોતથી સન્નાટો છવાઈ ગયો છે.

વિશાલ કગથરાનો પાર્થિવદેહ કાલે બપોરે રાજકોટ પહોંચશે

રાજકોટઃ કોંગ્રેસના પડધરી-ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલનું અકસ્માતમાં મોત થયા બાદ તેમના પાર્થિવદેહને પશ્ચિમ બંગાળના બહેરામપુરાથી પોસ્ટમોર્ટમ કર્યા બાદ કાલે બપોરે રાજકોટ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવશે. ત્યાંથી તેમના પાર્થિવદેહની અંતિમ વિધિ કરવામાં આવશે.

હું ખુશનસીબ પિતા છું કે મારા બન્ને પુત્રો વિશાલ અને રવિ ખૂબ જ આજ્ઞાંકિત છેઃ લલિતભાઈ કગથરા

રાજકોટઃ ટંકારા-પડધરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ થોડા સમય પહેલા કોઈ મેગેઝીન કે અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, હું ખુશનસીબ પિતા છું કે મારા બન્ને પુત્રો વિશાલ અને રવિ ખૂબ જ આજ્ઞાંકિત છે. છેલ્લા દશેક વર્ષથી મારી ઈન્ડસ્ટ્રીઝની ધૂરાને બન્ને પુત્રો સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે.

લલિતભાઈએ વધુમાં જણાવ્યુ હતુ કે મોટો પુત્ર વિશાલ કવોલીટી કોન્સિયસ અને ભવિષ્યને જોઈ શકવાનુ તેનુ વિઝન લાજવાબ છે. નાનો પુત્ર રવિ ઘણો ધીરજવાન છે. હું ઝડપથી નિર્ણય લેતો હોઉં છું પરંતુ રવિ એ બાબતે મેચ્યોર છે એટલે સ્ટાફ પાસેથી ધાર્યુ કામ એ પ્રેમપૂર્વક લઈ શકે છે.

બસની બહાર વિશાલનું મોઢુ હોવાથી ટ્રક સાથે અથડાતા હેમરેજઃ કોઈ વાહન મદદ માટે ન આવતા મોત નિપજ્યું

(કેતન ઓઝા દ્વારા-જેતપુર) રાજકોટઃ લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ બસમાં આવી રહ્યા હતા ત્યારે તેમનુ મોઢુ બારીમાંથી બહાર હતુ, આ દરમિયાન રોડ ઉપરથી પસાર થતા ટ્રક સાથે તેમનુ માથુ અથડાયુ હતું જેથી હેમરેજ થઈ જતા ઘટના સ્થળે જ તેમનુ મોત નિપજ્યુ હતું: આ દુર્ઘટના સમયે કોઈ વાહન ચાલકે પોતાનુ વાહન ઉભુ ન રાખીને મદદ માટે ન આવતા દુર્ઘટના બાદ ઘણો સમય પસાર થઈ જતા તેમનુ મોત નિપજ્યુ હતું

 

(12:00 am IST)