Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

કુમારસ્વામીનો મુખ્યમંત્રી બનવા માર્ગ મોકળો થયો

કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પાસે ૧૧૭ સભ્યો : ૨૨૧ના અસરકારક સંખ્યાબળમાં હાલમાં બહુમતી છે

બેંગલોર, તા. ૧૯ : કર્ણાટકમાં યેદીયુરપ્પાના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધા બાદ રાજ્યમાં જેડીએસના નેતા કુમારસ્વામી માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે એચડી કુમારસ્વામી હવે શપથ લઈ શકે છે કારણ કે ચૂંટણી થયા બાદ આ બંનેએ ગઠબંધનની રચના કરી હતી. નવા રચાયેલા ગઠબંધને ૨૨૩ સભ્યોના ગૃહમાં  ૧૧૭ ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો છે. ગૃહમાં અસરકારક સંખ્યાબળ ૨૨૧નું રહ્યું છે. આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા કરતા કોંગ્રેસે કહ્યું છે કે અન્ય પાર્ટીઓના ધારાસભ્યોને તોડવા માટેના ભાજપના ઓપરેશન લોટસને નિષ્ફળતા મળી છે. કર્ણાટકમાં લોકશાહીની જીત થઈ છે. ભાજપના ચૂંટણી પ્રતિક તરીકે કમળનો પ્રતિક રહેલું છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. બીએસ યેદીયુરપ્પા બે દિવસના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. તેમના પોતાના જ રેકોર્ડ તૂટી ગયા છે. અગાઉ સાત દિવસ સુધી તેઓ મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં યેદીયુરપ્પા સરકારના પતન બાદ ઉજવણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડવામાં આવ્યા હતા. અઢી દિવસમાં જ યેદીયુરપ્પા સરકાર પડી ગઈ છે. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન હવે સરકાર બનાવવા તૈયાર છે. રાજ્યપાલ કોઈપણ સમયે આમંત્રણ આપી શકે છે. કોંગ્રેસ અને જનતાદળ સેક્યુલરે ચૂંટણી પરિણામ આવ્યા બાદ સાથે આવવાનો નિર્ણય કર્યો હતો અને તેમના તરફથી કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કુમારસ્વામી હવે રાજ્યપાલ તરફથી સરકાર બનાવવા માટે બોલાવવા માટે આમંત્રણની રાહ જોઈ રહ્યા છે. કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ અને જેડીએસ દ્વારા સરકાર રચવાનો દાવો કરવામાં આવશે.

(7:26 pm IST)