Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 9 રનથી હરાવ્યું :આશુતોષ શર્માની શાનદાર ઇનિંગ

મુંબઈના 192 રનના જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ આશુતોષની 61 રનની તોફાની ઇનિંગ છતાં 19.1 ઓવરમાં 183 રન જ બનાવી શકી: ગેરાલ્ડ કોઈટ્ઝ અને જસપ્રિત બુમરાહે 3-3 વિકેટ ઝડપી

મુંબઈ : IPL 2024ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 9 રનથી હરાવ્યું છે. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ આશુતોષ શર્માની 61 રનની તોફાની ઇનિંગ છતાં 19.1 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 183 રન જ બનાવી શકી હતી. પંજાબ તરફથી આશુતોષ શર્માએ સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ગેરાલ્ડ કોઈટ્ઝ અને જસપ્રિત બુમરાહે 3-3 વિકેટ લીધી હતી.

   193 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં જ ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન સેમ કુરન 6 રને ઓપનિંગ કરવા આવ્યો, પ્રભાસિમરન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો. રિલી રૂસો ત્રણ બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો, લિયામ લિવિંગસ્ટોન એક રન બનાવીને આઉટ થયો હતો. બુમરાહ અને કોએત્ઝીએ પંજાબને શરૂઆતી આંચકા આપ્યા હતા

   હરપ્રીત સિંહ 13 રન બનાવીને આઉટ થયો હતો અને જીતેશ 9 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શશાંક અને આશુતોષ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. શશાંક 25 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. આશુતોષે 28 બોલમાં 7 છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

   જોકે તે 18મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. છેલ્લી બે ઓવરમાં પંજાબને જીતવા માટે 21 રનની જરૂર હતી. 19મી ઓવરમાં 11 રન થયા પરંતુ એક વિકેટ પણ પડી. છેલ્લી ઓવરમાં જીતવા માટે 12 રનની જરૂર હતી પરંતુ કાગિસો રબાડા પહેલા જ બોલ પર રનઆઉટ થયો હતો. રબાડાએ ત્રણ બોલમાં આઠ રન બનાવ્યા હતા

   આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા સૂર્યકુમારની અડધી સદીની ઈનિંગને કારણે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. ઈશાન કિશન 8 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. પૂર્વ કેપ્ટન રોહિત શર્મા 25 બોલમાં 36 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમાર યાદવ 53 બોલમાં 78 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિકે 6 બોલમાં 10 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડ 14 રન અને તિલક 34 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. પંજાબ તરફથી હર્ષલ પટેલે ત્રણ અને સેમ કુરાને બે વિકેટ ઝડપી હતી.

(12:17 am IST)