Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

FPIએ એપ્રિલમાં ૧૨૬૫૦ કરોડ રૂપિયા પરત ખેંચી લીધા

માર્ચ કરતા સ્થિતિમાં આંશિક સુધારો થયો : કોરોના વાયરસ કટોકટી વચ્ચે રોકાણકાર વધારે ચિંતાતુર

નવીદિલ્હી, તા. ૧૯ : કોરોના વાયરસ કટોકટી વચ્ચે એપ્રિલ મહિનામાં હજુ સુધી વિદેશી મુડીરોકાણકારોએ ભારતીય મુડી માર્કેટમાંથી ૧૨૬૫૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. પહેલી એપ્રિલથી ૧૭મી એપ્રિલ વચ્ચેના ગાળામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાંથી ૩૮૦૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જ્યારે ડેબ્ટમાંથી ૮૮૪૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ડિપોઝીટરીના નવા આંકડામાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. આની સાથે જ જે નાણાં પાછા ખેંચી લેવામાં આવ્યા છે તે આંકડો ૧૨૬૫૦ કરોડનો રહ્યો છે. આ મહિનામાં કેટલીક રજા પણ આવી ગઇ છે. હાલમાં કોરોના વાયરસના કારણે ભારે કટોકટી જોવા મળી રહી છે. ભારતમાં કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે ત્યારે દેશની સાથે સાથે વિશ્વભરમાં ભારે અનિશ્ચિતાની સ્થિતી રહેલી છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે આ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. વર્તમાન સંજોગોમાં એફપીઆઈ દ્વારા ખુબ જ કઠોર વલણ અપનાવ્યું છે. ડોલરનું પ્રભુત્વ હજુ પણ દેખાઈ રહ્યું છે.

              જાણકાર લોકોના કહેવા મુજબ બજારમાં સ્થિતિ સ્થિર થયા બાદ જ રોકાણકારો ફરી એકવાર નાણાં ઠાલવવાના મૂડમાં આવશે જ્યાં સુધી કોરોના વાયરસ ઉપર કાબૂ ન આવે ત્યાં સુધી રોકાણકારો નાણાં રોકવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. અર્થતંત્ર ઉપર કોરોના વાયરસની અસર કેવી રહે છે તેને લઇને તમામની નજર કેન્દ્રિત થઇ છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા હાલમાં વેચવાલીનું વલણ અપનાવતા શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં મંદી રહેવાના સંકેત છે.  વૈશ્વિક મંદીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે હાલ રોકાણ ઘટે તેવી શક્યતા છે. વિદેશી રોકાણકારો હાલમાં આ જ પ્રવાહ જારી રાખે તેવી શક્યતા છે. અગાઉના મહિનામાં એફપીઆઇ દ્વારા પાછા ખેંચી લેવામાં આવેલા નાણાંનો આંકડો ૧.૧ ટ્રિલિયન રૂપિયા રહ્યો હતો.

કોરોનાનો આતંક જારી છે ત્યારે વિદેશી રોકાણકારો હાલમાં હચમચી ઉઠ્યા છે. . સપ્ટેમ્બર ૨૦૧૯ બાદથી એફપીઆઈ દ્વારા સતત છ મહિનામાં રોકાણ કર્યા બાદ માર્ચ મહિનામાં નાણાં પરત ખેંચવામાં આવ્યા છે. સૌથી પહેલા ૨૪મી માર્ચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. આ અવધિ પૂર્ણ થયા બાદ મોદીએ ફરી લોકડાઉન -૨ની જાહેરાત કરી હતી. જે ત્રીજી મે સુધી ચાલનાર છે.  જો કે માર્ચ મહિનાની સરખામણીમાં વિદેશી રોકાણકારો એપ્રિલમાં હળવુ વલણ અપનાવી રહ્યા છે. 

FPI દ્વારા વેચવાલી...

*   વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલમાં હજુ સુધી ૧૨૬૫૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા

*   પહેલીથી ૧૭મી એપ્રિલ વચ્ચે એફપીઆઈએ ઇક્વિટીમાંથી ૩૮૦૮ કરોડ પાછા ખેંચ્યા

*   એફપીઆઈએ બોન્ડ માર્કેટમાંથી એપ્રિલમાં ૮૮૪૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા

*   એપ્રિલ મહિનામાં રોકાણકારો વેચવાલીના મૂડમાં દેખાયા

*   માર્ચ મહિનામાં નેટ આધાર પર ૧.૧ ટ્રિલિયન રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા

*   એફપીઆઈ વૈશ્વિક મંદી આવશે તેવી દહેશતને લઇને જોરદારરીતે પરેશાન થયેલા છે

*   સપ્ટેમ્બર ૨૦૧૯ બાદથી શેર માર્કેટમાં લેવાલી રાખ્યા બાદ છ મહિના બાદ વેચવાલી શરૂ થઇ

*   કોરોના વાયરસની દહેશત વધતા નાણા પરત ખેંચાયા

*   એફપીઆઈ કોરોના વાયરસની દહેશત વચ્ચે સાવધાનીના મૂડમાં દેખાઈ રહ્યા છે

એફપીઆઈની સ્થિતિ

નવીદિલ્હી, તા.૧૯ : એફપીઆઈએ નવા વર્ષની શરૂઆત કરી છે. ૨૦૧૯માં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૯....................... ૭૩૨૭૬.૬૩ કરોડ ઠલવાયા

૨૦૧૮............................... ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................. ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................. ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................. ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................. ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩......................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨......................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(7:52 pm IST)