Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે.....

માલ્યાનો સરકારને સવાલ : જૂઠ્ઠુ કોણ બોલે છે? કેન્દ્ર કે ભારતીય બેન્કો?

કેન્દ્ર સરકાર એર ઈન્ડિયાને બચાવે છે પરંતુ ખાનગી એરલાઇન્સોને બચાવવા કોઈ પ્રયાસ કરતી નથી તેવો આરોપ મૂકયાના એક દિવસ બાદ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જુઠ્ઠું કોણ બોલી રહ્યું છે. વિજય માલ્યાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં એક નિવેદનને ટાંકયું હતું જેમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેમની સરકારે મારા સરકારી બેન્કોને ચૂકવવાના થતા નાણાં કરતાં મારી પાસેથી વધુ નાણાંની વસૂલાત કરી લીધી છે. વિજય માલ્યાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, પીએમ મોદીએ જાતે જણાવ્યું હતું કે, મારી સરકારે વિજય માલ્યા પાસે સરકારી બેન્કોના જેટલા નાણાં બાકી નીકળે છે તેના કરતાં વધુની વસૂલાત કરી લીધી છે. અને હવે આ જ સરકારી બેન્કો બ્રિટનની અદાલતોમાં અલગ જ દાવો કરી રહી છે. આમાં કોણ સાચંુ છે? કોણ કોની વાત માનશે? કોઈને કોઈ તો જુઠ્ઠું બોલી જ રહ્યું છે.

વિજય માલ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૯ માર્ચે રિપબ્લિકન ભારત ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. પીએમ મોદીએ આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને સંતોષ છે કે કિંગફિશર એરલાઇન્સના બોસની પ્રત્યર્પણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને સરકારે તેમની પાસેથી બધા નાણાં વસૂલી લીધાં છે.

વિજય માલ્યાના બ્રિટનની બેન્કમાં જમા ૨,૫૯,૦૦૦ પાઉન્ડ મુકત કરી દેવાની માગણી બ્રિટનની અદાલતે ફગાવી દીધી છે. વિજય માલ્યાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આ બેન્ક ખાતું સીલ હોવાથી તે તેની જીવનજરૂરિયાતો પૂરી કરી શકતો નથી. કાયદાકીય લડાઈની ફી ચૂકવી શકતો નથી અને તેથી તેના માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે. જોકે વિજય માલ્યાને રાહત એ વાતની મળી છે કે, તેઓ ૨૦૨૦ સુધી આ નાણાં પોતાના હસ્તક લઈ શકશે નહીં.

(3:55 pm IST)