Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર-અમરેલી- પોરબંદર- જૂનાગઢ બેઠક ભાજપ માટે ચક્રવ્યૂહ સમી, કોંગ્રેસ અગ્રેસરઃ રાજકોટ-જામનગર-ભાવનગરને ભાજપ અંકે થયેલી ગણે છે

૨૦૧૭ની વિધાનસભામાં કોંગ્રેસે કરેલા ઉત્કૃષ્ટ દેખાવને લોકસભામાં યથાવત રાખવા કોંગ્રેસ મેદાને પડી છે : સામે પક્ષે મોદીનો સજ્જડ વિકલ્પ મતદારોને મળ્યો ન હોવાથી ભાજપ પોતાની મોટી જીત નિશ્ચિત માની રહી છે : જો કે દુષ્કાળ, પાણી, નોટબંધી, જીએસટી, ખેડૂતના અણઉકેલ પ્રશ્નો સહિતના પ્રજાકીય મુદ્દા સત્તા વિરોધી લહેર પેદા કરી શકે છે

રાજકોટ, તા. ૧૯ : મતદાન આડે માત્ર ૩ દિવસ બાકી છે ત્યારે સૌરાષ્ટ્રની ૭ બેઠકોનું વિશ્લેષણ રજૂ કરીએ છીએ. ૭ પૈકી સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર બેઠક કોંગ્રેસ માટે આશાનું કિરણ બની ઉભરી આવી છે. આ બેઠકો પરની સ્થાનિક સ્થિતિ અને મતદારોનો ઝુકાવ જોતા ભાજપ માટે સાત કોઠા ભેદવા જેવો ચક્રવ્યુહ હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. જયારે બીજી તરફ શહેરી વિસ્તારોનું મોટુ મતદાન ધરાવતી રાજકોટ - જામનગર અને ભાવનગર બેઠકને ભાજપ પોતાના ગજવામાં સરેલી માની રહી છે. ૨૦૧૭ની ધારાસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ ઉત્કૃષ્ટ દેખાવ કરી ચૂકી છે. ૨૦૧૯ની લોકસભા બેઠકોમાં સમાવિષ્ટ અનેક વિધાનસભા ક્ષેત્રો ઉપર કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો છે તો બીજી તરફ ભાજપના ચૂંટાયેલા સાંસદો મેદાનમાં છે. આ વખતે દુષ્કાળ, પાણી, નોટબંધી, જીએસટી, ખેડૂતોના અણઉકેલ પ્રશ્નો જેવા કે પાક વિમો, ટેકાના ભાવે ખરીદી અને સરકાર દ્વારા ખેડૂતો પરત્વે દુર્લક્ષ્ય સેવવાની નીતિથી સત્તા વિરોધી લહેરને ઉઠવાનો રસ્તો મળ્યો છે. પરંતુ મોદીનો વિકલ્પ શોધતા મતદારો માટે કોંગ્રેસમાં એવી કોઈ મજબૂત નેતાગીરી ઉભી થઈ શકી નથી. જેને લઈને કયાંક મતદારો અવઢવમાં જોવા મળે છે. બીજી તરફ પાકિસ્તાનના આતંકી કેમ્પો ઉપર એરસ્ટ્રાઈકના મુદ્દે દેશદાઝનો માહોલ પેદા કરવામાં સફળ રહેલા ભાજપ માટે 'હોમ ગ્રાઉન્ડ' ગુજરાતનું ચિત્ર સારૂ હોવાનું પણ રાજકીય પંડિતોનો એક વર્ગ માની રહ્યો છે ત્યારે જુદી - જુદી બેઠકોનો ચિતાર મેળવવાની કોશિષ કરી છે.

સુરેન્દ્રનગર

ઝાલાવાડની સુરેન્દ્રનગર બેઠક ઉપર ત્રિકોણીયા જંગ જેવી સ્થિતિ છે. આ બેઠક પર ભાજપમાંથી કોળી આગેવાન ડો.મહેન્દ્ર મુંજપરા જયારે કોંગ્રેસમાંથી પીઢ કોંગ્રેસી નેતા અને કોંગી આગેવાન સોમાભાઈ ગાંડાભાઈ મકવાણા મેદાને છે. અપક્ષ તરીકે લાલજીભાઈ મેરે પણ આ સીટ પરથી ઝંપલાવ્યુ છે. લાલજીભાઈ મેર પણ ઓછા આંકી શકાય તેવા ઉમેદવાર નથી. જો કે ભાજપ તરફથી નવા-સવા ગણી શકાય તેવા મહેન્દ્ર મુંજપરાને સીટીંગ એમ.પી. દેવજીભાઈ ફતેપરાને કાપીને ઉતારાયા છે ત્યારે ભાજપનો અસંતોષ છાના ખુણે પ્રજ્વલિત થયાના વાવડ મળે છે. સાથોસાથ આ બેઠકના ભાજપના સીનીયર મોસ્ટ નેતા આઈ.કે. જાડેજા અને હળવદ- ધ્રાંગધ્રા સીટ પરથી અગાઉ ચૂંટાઈ મંત્રી બનેલા જેન્તીભાઈ કવાડીયાની પેટાચૂંટણીમાં થયેલી અવગણનાના મુદ્દાને પણ જાણકારો ન ગણ્ય નથી લેખતા. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર સોમાભાઈ લીમડીના ચંૂટાયેલા ધારાસભ્ય છે. આ ઉપરાંત આ ક્ષેત્રની ૭ ધારાસભા પૈકી ધ્રાંગધ્રા - હળવદ, ચોટીલા-પાટડી અને લીમડી બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયેલા છે. જેના પરથી ૨ વર્ષ પૂર્વેનો મતદારોનો જોક કોંગ્રેસ તરફી રહ્યાનું સ્પષ્ટ થાય છે. આ ફેકટરને કોંગ્રેસ માટે મહત્વનું ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસનો ઘોડો અગ્રેસર હોવાનું માનવામાં આવે છે. ધ્રાંગધ્રા-હળવદની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં પેરાશુટ સાથે ઉતરેલા ઉમેદવાર પરસોતમ સાબરીયાને ભાજપે પસંદ કર્યા છે. ધ્રાંગધ્રા-હળવદ સીટ ઉપર ૬૫% મતદાન ધ્રાંગધ્રા પંથકનું છે જયારે ૩૫% માત્ર હળવદનું છે. આ સંજોગોમાં પણ છેલ્લી ઘણી ટર્મથી હળવદના ઉમેદવારોને ચૂંટણી લડાવવાનું ભાજપે વલણ દાખવ્યુ છે. જેને લઈને ધ્રાંગધ્રા મતક્ષેત્રના લોકો ભાજપથી વિમુખ થયાનું માનવામાં આવે છે. આમ, લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના સંજોગો ઉજળા હોવાનો સ્થાનિક મત પ્રવર્તે છે.

અમરેલી

અમરેલી લોકસભા બેઠક પરથી ભાજપે નારણભાઈ કાછડીયાને ઉતાર્યા છે. જેની સામે કોંગ્રેસે વિધાનસભાના વિપક્ષી નેતા અને ચૂંટાયેલા કોંગ્રેસી ધારાસભ્ય પરેશ ધાનાણી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ સીટ ઉપર પણ ભાજપ કરતાં કોંગ્રેસનું પલ્લુ ભારે હોવાનું કહેવાય છે. પરેશ ધાનાણીને સર્વસંમત ઉમેદવાર માનવામાં આવે છે. તેઓ લોકો વચ્ચે રહેલા યુવા નેતા છે. આ વિસ્તારના ચૂંટાયેલા કોંગ્રેસી ધારાસભ્યો પૈકી વિરજીભાઇ ઠુંમર સહિતના સીનીયર આગેવાનો અમરેલી સીટ પર ખભ્ભે ખભ્ભો મિલાવી કોંગ્રેસને જીતાડવા દિવસ-રાત એક કરી રહ્યા છે. જેની સામે ભાજપે પોતાના ઉમેદવાર તરફી મતદારોનો જોક ઉભો કરવા એડી ચોટીનું જોર લગાવી દીધુ છે. ગઈકાલે જ અહિં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભા યોજવામાં આવી હતી. આ ઉપરાંત અનેક રાષ્ટ્રીય નેતાઓ પણ ક્ષેત્રમાં ચક્કર લગાવી ચૂકયા છે. આમ ભાજપ પણ આ બેઠક પર મહેનત કરવી પડે તેમ છે તેવું માની રહ્યાનું સમજાય છે.  રાહુલ ગાંધીએ પણ આ વિસ્તારને જોડતા ક્ષેત્રમાં સભા ગજવી હતી. માત્ર કોંગ્રેસીઓ જ નહિં પણ તટસ્થ રાજકીય વિશ્લેષકો પણ અમરેલી બેઠક ભાજપ માટે કપરી હોવાનું માની રહ્યા છે.

પોરબંદર

લોકસભાની આ બેઠક ગત ટર્મમાં વિઠ્ઠલભાઈ રાદડીયાની લોકપ્રિયતાને કારણે ભાજપે અંકે કરી હોવાનું સૌ જાણે છે. વિઠ્ઠલભાઈની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ માટે ચૂંટણી લડવી અશકય હતી. તેમના સ્થાને ભાજપમાંથી રાજકારણના નવા નિશાળીયા ગણાતા રમેશભાઈ ધડુકને ઉતારવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસે ધોરાજીના સીટીંગ એમએલએ લલીત વસોયાને લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. લલીત વસોયા શિક્ષિત અને પ્રતિભાશાળી ઉમેદવારો પૈકીના એક છે. તેમના ક્ષેત્રમાં મતદારોના પ્રિય છે. આ ઉપરાંત રમેશ ધડુકની પસંદગીથી ભાજપની રાદડીયા અને બોખીરીયા લોબીની ભૂમિકાને પણ અલગ નજરે જોવામાં આવી રહી છે. રમેશ ધડુક ગોંડલના નગરપાલિકા લેવલના નેતા છે. બેશક તેઓ ધનકુબેર છે, પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક અલગ હોવાનું તજજ્ઞો માની રહ્યા છે. અહિંયા ભાજપ તરફી ટેમ્પો હજુ સુધી ઉભો નહિં થયાનું કહેવાય છે. ખારવા સમાજમાં બાબુભાઈ બોખીરીયાનો મોટો વિરોધ ઉઠ્યો છે. ખારવા મતદારો ભાજપથી વિમુખ જઈ રહ્યાના અહેવાલો મળી રહ્યા છે. કેટલીક જગ્યાઓએ સભાઓનો ફિયાસ્કો થયો છે. વિસાવદરમાં મુખ્યમંત્રી રૂપાણીની સભામાં ગણ્યાગાઠ્યા લોકો જ આવતા સભા રદ્દ કરવી પડી હતી. આ ક્ષેત્રને લાગુ જૂનાગઢ લોકસભા બેઠક પર અમિત શાહ અને મોદીજીએ પણ પ્રચાર સભાઓ કરી હતી. ગઈકાલે સ્મૃતિ ઈરાનીએ પોરબંદર બેઠકમાં સમાવિષ્ટ ગોંડલમાં રેલી યોજી હતી. જો કે તેમણે સંબોધન કર્યુ ન હતું. ઘણા બધા એંધાણ ભાજપ માટે વિચાર માગી લે તેવા ઉદ્દભવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર, અમરેલીની માફક આ બેઠક પર કોંગ્રેસ આશ્ચર્યજનક પરિણામ આપી શકે છે.

જૂનાગઢ

જૂનાગઢ બેઠક ઉપરથી ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપે અવઢવ ભરી સ્થિતિમાં છેલ્લે ઉમેદવાર તરીકે નક્કી કર્યા હતા. આની સામે કોંગ્રેસે સ્માર્ટ મૂવ રૂપે ઉનાના લોકપ્રિય અને પ્રજા વચ્ચે રહેનારા કોંગ્રેસી ધારાસભ્ય પુંજાભાઈ વંશને ટિકીટ આપી છે. ૨૦૧૭માં જૂનાગઢમાંથી ભાજપના પીઢ નેતા મહેન્દ્ર મશરૂને હરાવીને ભીખાભાઈ જોષી કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. જયારે વિસાવદરથી કોંગ્રેસના હર્ષદ રાબડીયા ચંૂટાયેલા ધારાસભ્ય છે. ઉનાથી પુંજાભાઈ વંશ ખુદ ચૂંટાયેલા કોંગ્રેસી ધારાસભ્ય છે. રાજેશભાઈ ચુડાસમાનો સાંસદ તરીકેનો કાર્યકાળ મતદારો માટે બહુ રાજી થવા જેવો રહેલો નહિં હોવાનું ચર્ચાય છે. ત્યારે ખેડૂતો સહિતના સત્તાવિરોધી મુદ્દા પણ આ બેઠકને વધુ અસર કરી શકે તેવું માનવામાં આવે છે. જૂનાગઢ લોકસભાના પુંજાભાઈ વંશને નિવડેલા કોંગ્રેસી આગેવાન માનવામાં આવે છે. જૂનાગઢ શહેરમાંથી મહેન્દ્રભાઈ મશરૂને હરાવી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ભીખાભાઈ જોષી મતદારોમાં અત્યંત સરળ અને સક્રિય નેતાની છાપ ધરાવે છે. જેનો ફાયદો પણ લોકસભા બેઠકના પુંજાભાઈ વંશને મળશે. અહિંયા પણ કોંગ્રેસીઓ એક થઈ લડી રહ્યાનું ચિત્ર ઉપસ્યુ છે. જૂનાગઢને પણ ભાજપ માટે સરળ બેઠક નથી માનવામાં આવતી.

રાજકોટ

રાજકોટ બેઠકને ભાજપની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. જો કે બે ટર્મ પૂર્વે આ બેઠક પરથી તત્કાલીન કોંગ્રેસના ઉમેદવાર અને કોળી આગેવાન કુંવરજીભાઈ બાવળીયા ચૂંટાયા હતા. પછીથી ભાજપનું જોર આ બેઠક પર ફરી યથાવત રહ્યું છે. આ વખતે ભાજપે સાંસદ મોહનભાઈ કુંડારીયાને ફરી મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર લેઉઆ મતદારોની સંખ્યા વધુ છે. કોંગ્રેસે ધારાસભ્ય લલીતભાઈ કગથરાને મોહનભાઈના હરીફ તરીકે મોકલ્યા છે. ગ્રામ્ય પંથકના ખેડૂતો અને પાટીદારોમાં ભાજપ સામે રોષ જોવા મળી રહ્યો છે. લલીતભાઈની છબી પણ એકંદરે સારી છે. ગ્રામ્ય પંથકના પડધરી - ટંકારા - વાંકાનેર- મોરબીમાં લલીતભાઈ તરફી વાતાવરણ હોવાનું કહેવાય છે ત્યારે રાજકોટની શહેરી વોટ બેંક ભાજપની 'અકબંધ વોટ બેંક' ગણાય છે. જે મોહનભાઈ માટે ફાયદાકારક છે. આ બેઠક પરથી ભાજપ ફરી પ્રચંડ બહુમતીથી જીતશે તેવો દાવો ભાજપી વર્તુળો કરી રહ્યા છે. પરંતુ આ વખતે દરેક ક્ષેત્રમાં મતદારોમાં જોવા મળતો ઉત્સાહનો અભાવ કોંગ્રેસને ફાયદો કરાવે તો લલીતભાઈ પણ સારી એવી ફાઈટ આપી શકે. રાજકોટને આમ તો લેઉવા પટેલની બેઠક ગણી શકાય. અહિંયા  લેઉવા પટેલ વોટર્સની સંખ્યા ૩II લાખ આસપાસ છે ત્યારે બંને પક્ષોએ કડવા પાટીદારોને મેદાનમાં ઉતાર્યા હોય લેઉવા અગ્રણીઓ નારાજ હોવાનું માનવામાં આવે છે. સાથોસાથ કડવા હોય કે લેઉવા પાટીદાર સમાજ આ વખતે ભાજપથી અંદરખાને નારાજ હોવાનું પણ કહેવાય છે તેની અસર જો મત પેટીમાં વર્તાશે તો ભાજપને તોતીંગ બહુમતી આ બેઠક પર ન પણ મળે.

જામનગર

જામનગર બેઠક પરથી ભાજપના ચૂંટાયેલા જાજરમાન સાંસદ પૂનમબેન માડમ સામે કોંગ્રેસના મુળુભાઈ કંડોરીયા છે. બંને આહિર જ્ઞાતિના અગ્રણીઓ છે. આર્થિક રીતે બંને સંપન્ન છે. જામનગર લોકસભાની બેઠક પર મુળુભાઈ કંડોરીયાનું નામ જાહેર થયુ ત્યારથી ભાજપ પૂનમ માડમ માટે એકતરફી ચિત્ર હોવાનું માની રહ્યું છે. મુળ કોંગ્રેસના રાઘવજીભાઈ પટેલ અને હકુભા જાડેજા હવે ભાજપમાં છે ત્યારે પૂનમબેનના હાથ વધુ મજબૂત બન્યાનું જાણકારોનું કહેવું છે. આહિર મતોનું વિભાજન થશે છતાં મુળુભાઈ કંડોરીયા પૂનમબેનને મ્હાત કરી શકે તેવું જામનગર બેઠકના જાણકારો નથી માનતા. અમુક લોકો મુળુભાઈને લડત આપી શકે તેવા ઉમેદવાર પણ ગણાવી રહ્યા છે. જો કે જામનગર શહેરી વિસ્તારના મતદારો પણ ભાજપના કેમ્પમાં હોવાનું કહેવાય છે ત્યારે આ સીટ ભાજપ માટે ફેવરીટ પૈકીની એક છે.

ભાવનગર

ભાવનગર લોકસભા બેઠક પરથી ભાજપે આ વખતે કોળી કોમ્યુનિટીના ડો. ભારતીબેન શિયાળને ફરી સંસદની ચૂંટણી લડવા ઉતાર્યા છે. સામે જ્ઞાતિગત સમીકરણો ધ્યાને લઈ કોંગ્રેસે મનહર પટેલને ઉતાર્યા છે. આ બેઠક પર કોળી સમાજના મતો પણ પ્રભુત્વ ધરાવે છે. સાથોસાથ ભાવનગર શહેરનું મતદાન ભાજપ તરફી થવાથી ડો. ભારતીબેન શિયાળની જીત પાક્કી માનવામાં આવે છે. એક અહેવાલ મુજબ દરિયાકાંઠાનો કોળી સમાજ આ વખતે નારાજ છે. આ ક્ષેત્ર ઉપર પ્રભુત્વ ધરાવતા પરસોતમ સોલંકી અને તેમના રાજુલાથી ચૂંટાતા ભાઈ કેટલા સક્રિય રહી શકે છે? તે મહત્વનું ગણાશે છતાં પણ ભાજપ માટે આ બેઠક સરળ હોવાનું કહેવાય છે.

જામનગર

જામનગર લોકસભા બેઠક પરથી પૂનમ માડમ ફરી ભાજપનો ચહેરો બની ઉતર્યા છે : આહિર જ્ઞાતિના જ મુળુભાઈ કંડોરીયા કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે : ખંભાળીયા - બારાડી પંથકમાં કંડોરીયા પ્રભુત્વ ધરાવતા હોવાનું ચિત્ર છે : પરંતુ લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપમાં ભળી મંત્રી બનેલા ભખુભા જાડેજા અને રાઘવજી પટેલ પૂનમબેનના હાથ વધુ મજબૂત બનાવી રહ્યાનું સમજાય છે : આ બેઠક પણ રાજકોટની માફક ભાજપના ફાળે જશે તેવું માનવામાં આવે છે.

સુરેન્દ્રનગર

સવા પાંચ લાખથી વધુ કોળી મતો ધરાવતી આ બેઠક પર ભાજપના નવા સવા ડો.મહેન્દ્ર મુંજપરા સામે કોંગ્રેસના પીઢ આગેવાન સોમા ગાંડા મેદાને છે : લાલજી મેરે અપક્ષ ઝુકાવ્યુ છે : સીટીંગ એમ.પી. દેવજી ફતેપરાને કાપીને મુંજપરાને ટિકીટ આપવામાં આવતાં અસંતોષ પ્રજવલિત થયો છે : આવી જ રીતે ધ્રાંગધ્રા - હળવદ બેઠકની ધારાસભાની પેટાચૂંટણીમાં પેરાશૂટ સાથે ઉતરેલા ઉમેદવાર પરસોતમ સાબરીયાની ભાજપે કરેલી પસંદગી પણ મતદારો માટે આશ્ચર્યજનક છે : ધ્રાંગધ્રાનું ૬૫% અને હળવદનું ૩૫% મતદાન ધરાવતી વિધાનસભા બેઠક પર છેલ્લી ઘણી ટર્મથી હળવદને જ પ્રતિનિધિત્વ આપવામાં આવતુ હોય મતદારો ભાજપથી વિમુખ થયા છે : લોકસભા અને ધારાસભા બંને બેઠકો ભાજપથી દૂર થઈ ગયાનું ચિત્ર ઉપસ્યુ છે : આઈ. કે. જાડેજા જેવા સિનીયર આગેવાન અને જેન્તીભાઈ કવાડીયા જેવા પાટીદાર આગેવાનની અવહેલના પણ ભારે પડી શકે.

જૂનાગઢ

જૂનાગઢ બેઠક ઉપરથી ઉમેદવાર નક્કી કરવામાં ભાજપે છેલ્લી ઘડી સુધી રાહ જોઈ હતી : વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને અવઢવભરી સ્થિતિમાં ઉતારાયા છે : સામે ઉનાના લોકપ્રિય કોંગ્રેસી ધારાસભ્ય પુંજાભાઈ વંશ કોંગ્રેસ તરફથી લડી રહ્યા છે : આ બેઠક પર ૨૦૧૭ની ધારાસભામાં કોંગ્રેસના વાવટા લહેરાયા છે : મહેન્દ્ર મશરૂ જેવા ભાજપના કર્મઠ આગેવાનને કોંગ્રેસના જૂનાગઢના શહેરી મતદારોએ જાકારો આપી લોકોની વચ્ચે રહેતા ભીખાલાલ જોષીને ચૂંટ્યા હતા : આ ઉપરાંત વિસાવદરમાંથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રાબડીયા ચૂંટાયેલા છે : આ બંને ધારાસભ્યો સહિતના કોંગ્રેસી આગેવાનો પુંજાભાઈની બાજુમાં મજબૂત રીતે ઉભા છે ત્યારે જૂનાગઢ બેઠકનું પલળું પણ કોંગ્રેસ તરફે નમે તો નવાઈ નહિં.

અમરેલી

અમરેલી બેઠક પર ભાજપના નારણભાઈ કાછડીયા સામે કોંગ્રેસના યુવાન અને એકટીવ આગેવાન અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી મેદાને છે : આ બેઠક પર કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્ય વિરજી ઠુંમર સહિતના આગેવાનો પરેશ ધાનાણીને જીતાડવા ખભે ખભા મિલાવી દોડી રહ્યા છે : સામે પક્ષે આ બેઠક પર મોદીજીએ ગઈકાલે જ ચૂંટણીસભા સંબોધી નારણભાઈ કાછડીયા તરફે મતદારોનો જોક મેળવવા નર્મદાનું પાણી અને સરદાર વલ્લભભાઈના દુનિયાના ફલક પર ફેલાયેલા સ્ટેચ્યુના નિર્માણને યાદ અપાવ્યુ છે : જો કે, આ બેઠક ઉપર પણ કોંગ્રેસનું જોર વધુ દેખાય રહ્યું છે.

ભાવનગર

ભાવનગર લોકસભામાં કોળી જ્ઞાતિના સાંસદ ડો.ભારતીબેન શિયાળ ભાજપ તરફથી ફરી ચૂંટણી લડી રહ્યા છે : આ સામે જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને લઈ કોંગ્રેસે મનહર પટેલને ઉતાર્યા છે : બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ વધુ છે : પરસોતમ સોલંકી અને તેમના ભાઈની ભૂમિકા પણ આ ક્ષેત્રમાં મહત્વની માનવામાં આવે છે : દરિયાઈ પટ્ટીના કોળી મતદારો ભાજપથી વિમુખ થયાના અહેવાલો વચ્ચે પણ આ

રાજકોટ

રાજકોટ : લેઉવા પાટીદારોની લોકસભા બેઠક ગણાતી રાજકોટ બેઠક પર આ વખતે પણ ભાજપે મોહનભાઈ કુંડારીયા (લાંબા) ઉપર ફરી પસંદગી ઉતારી છે : સામે કોંગ્રેસના પડધરી - ટંકારામાંથી ચૂંટાયેલા ધારાસભ્ય લલીત કગથરા કોંગ્રેસનો પંજો મજબૂત રીતે પ્રસરાવી રહ્યા છે : ગ્રામ્ય પંથકમાં ખેડૂતોની નારાજગી સત્તાધારી જૂથના વિરૂદ્ધમાં જોવા મળી રહી છે : જો કે ભાજપની કમીટેડ વોટબેંક રાજકોટ શહેર છે જે મોહનભાઈ માટે મોટા આશ્વાસનરૂપ છે : ભાજપની પરંપરાગત ગણાતી આ બેઠકને રાજકીય તજજ્ઞો ભાજપના જ ખાતામાં આવેલી જોઈ રહ્યા છે.

પોરબંદર

પોરબંદર બેઠક પર ભાજપમાંથી વિઠ્ઠલભાઈ રાદડીયાની નાદુરસ્ત તબિયતના કારણે ગોંડલના મોટા ગજાના ઉદ્યોગપતિ રમેશ ધડુકને ઉતારાયા છે : આ ચહેરો મતદારો માટે નવો છે : સામે કોંગ્રેસના ધોરાજીના ચૂંટાયેલા શિક્ષિત ધારાસભ્ય લલીત વસોયા ટક્કર આપવા ઉતર્યા છે : આ બેઠક પર રાદડીયા અને બોખીરીયા લોબીની ભૂમિકાને પણ અલગ નજરે જોવામાં આવે છે : ખારવા મતદારો બોખીરીયાથી નારાજ છે એટલે ભાજપથી પણ નારાજ હોવાનો 'સિનારીયો' છે : આ ઉપરાંત કાંધલ જાડેજા ફેકટર પણ અસરકર્તા છે ત્યારે આ બેઠક પણ ભાજપ માટે સરળ નથી મનાતી.

આંકડાકીય  ગ્રાફીકસ 'ડેટલાઈન ગુજરાત'ના હિમાંશુ ભાયાણીના સૌજન્યથી

મો.૯૮૨૫૦ ૬૯૯૨૪

:: અહેવાલ ::

જયદેવસિંહ જાડેજા

 

(12:14 pm IST)