News of Thursday, 19th April 2018

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એટ્રોસિટીની હળવી થયેલી જોગવાઇઓનો અમલઃ ફરિયાદોમાં મંજૂરી વગર આરોપીની અટકાયત ન કરવા પરિપત્ર

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે એટ્રોસિટી એક્ટની હળવી થયેલી જોગવાઈઓનો અમલ ગુજરાતમાં થઈ ચૂક્યો છે. રાજ્યમાં એક પછી એક તમામ જિલ્લા પોલીસ અધિક્ષકો પોતાના તાબા હેઠળના પોલીસસ્ટેશનોમાં એટ્રોસિટીની ફરિયાદોમાં મંજૂરી વગર આરોપીની અટકાયત ન કરવા પરિપત્રો કરી રહ્યા છે. ભરૂચ પોલીસ અધિક્ષક સંદીપસિંહે પોતાના જિલ્લાના તમામ થાણા અધિકારીઓને એટ્રોસિટી એક્ટ હેઠળના આરોપીઓની અટકાયતની કાર્યવાહીને લઈને પરિપત્ર દ્વારા આદેશો કર્યા છે. જેમાં ૨૦મી માર્ચે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ટાંકીને એટ્રોસિટી એક્ટ હેઠળની કાર્યવાહીમાં નિર્દોષ નાગરિકોની સંડોવણી ન થાય તે માટે આવી ફરિયાદોમાં પહેલાં તો ૭ દિવસની સમય- મર્યાદામાં પ્રાથમિક ઇન્કવાયરી પૂર્ણ કર્યા બાદ જ આગળ વધવા કહેવાયું છે. એટલું જ નહીં એટ્રોસિટીના ગુનામાં કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આવી વ્યક્તિ જાહેર સેવક (સરકારી અધિકારી કે કર્મચારી) હોય તો તને નોકરી આપનાર સત્તા પરવાનગી આપે પછી જ અટકાયત કરવાની રહેશે. આરોપી જાહેર સેવક ન હોય તો પણ તપાસકર્તા અધિકારીએ બાકાયદા દરખાસ્ત કરીને મંજૂરી મેળવવી પડશે. આવી દરખાસ્ત મળ્યા પછી જ આરોપીની અટકાયત થઈ શકશે.

એટ્રોસીટી એક્ટને પડકારતી પિટિશનના સંદર્ભમાં સુપ્રીમકોર્ટે તેની જોગવાઈઓ હળવી બનાવતો ચુકાદો આપતા જ દેશભરમાં દલિતો સંગઠનો અને નેતાઓનો રોષ ફાટી નીકળ્યો હતો. મોટાપાયે બંધનું એલાન આપાવમાં આવેલું જેના પગલે સરકારે રિવ્યૂ પિટિશન ફાઈલ કરી. જો કે, સુપ્રીમકોર્ટે પોતાનો ચૂકાદો સુધારવાનો કે સ્ટે આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. ૨૦મી માર્ચે સુપ્રીમના ચૂકાદા બાદ દેશભરમાં દલિતો, આદિવાસીઓમાં રોષ ભભૂકી રહ્યો છે.

ખુદ ભાજપના નેતાઓ જ એટ્રોસિટી એક્ટમાં ફેરફાર સામે નારાજગી દર્શાવી રહ્યા છે. 

(6:23 pm IST)
  • પંજાબ સરકારથી રાહુલ ખુશ નથી... : 'કેપ્ટન' પર નજર રાખવા નાયબ મુખ્યમંત્રીની ભલામણ રાહુલે કરી, પણ અમરિંદરે નકારી દીધી : નવજ્યોતસિંહ સિધ્ધુના મામલામાં પંજાબ સરકારના વલણથી રાહુલ નારાજ : પંજાબ કેસરીના અહેવાલ access_time 11:47 am IST

  • પ્રવીણ તોગડિયાની તબિયત નરમ પડી : વીએચપીમાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ પૂર્વ આંતરરાષ્ટીય કાર્યકારી પ્રમુખ પ્રવીણ તોગડિયા છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ વીએચપી કાર્યાલય ખાતે ઉપવાસ કરી રહ્યા છે. ત્રણ દિવસથી ઉપવાસ બાદ તોગડિયાની તબિયત બગડી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ શિવસેનાએ તોગડિયાને ઉપવાસને સમર્થન જાહેર કર્યું છે. આ માટે મુંબઈનું શિવસેનાનું એક પ્રતિનિધિ મંડળ તોગડિયાની મુલાકાત લેશે. સતત ત્રણ દિવસથી ઉપવાસ કરી રહેલા તોગડિયાના સ્વાસ્થ્યને લઈને સાધુ સંતો અને તેના સાથીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. access_time 12:01 pm IST

  • સુપ્રીમ કોર્ટે જજ લોયાના મોતની SIT તપાસની અરજી ફગાવી : સીબીઆઇના સ્પેશિયલ જજ બી.એચ. લોયાના મોત મામલે નિષ્પક્ષ તપાસની માંગણીની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ કિસ્સામાં કોઈ તપાસ નહી થાય. કેસમાં કોઇ આધાર નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ચાર રાજકારણીઓના નિવેદનમાં કોઈ કારણ નથી. કોર્ટે કહ્યુ કે આ કેસમાં ન્યાયપાલિકાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. access_time 12:01 pm IST