Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

પિતાના પગલે સફળતાના શીખરો સાકાર કરનાર મુકેશભાઇ અંબાણીનો જન્મદિનઃ ૬રમાં પ્રવેશ

વાપી તા. ૧૯ :.. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમ. ડી. મુકેશ ધીરૂભાઇ અંબાણીનો આજે ૧૯ મી એપ્રિલના ગુરૂવારે જન્મ દિવસ છે. પરિવારજનો તેમજ સમગ્ર રિલાયન્સ પરિવાર તેમના પર શુભેચ્છા વર્ષા કરી રહ્યું છે.

આજે શ્રી મુકેશભાઇના જન્મદિને તેમની ઝળહળતી કારકીર્દીની એક ઝલક જોઇએ તો ૧૯ મી એપ્રિલને ૧૯પ૭ ના રોજ એડન ખાતે મુકેશભાઇનો જન્મ થયેલો. માતાનું નામ કોકિલાબેન અને પિતાનું નામ ધીરૂભાઇ. બે ભાઇ અને બે બહેનોમાં મુકેશભાઇ જયેષ્ઠ પુત્ર મુકેશભાઇના જન્મ વેળાએ ધીરૂભાઇ એડનમાં કામ કરતા હતાં.

પરંતુ પોતાનું અનેરૂ સ્વપ્ન સાકાર કરવા ધીરૂભાઇ સારામાં સારી નોકરી છોડીને ભારત પરત ફર્યા. તે વેળાએ મુકેશભાઇ એમની આંગળી પકડીને ચાલતા હતાં. અને છેક સુધી મુકેશભાઇ એ તે આંગળી પકડી રાખી...

ધીરૂભાઇ ભારત આવ્યા ત્યારે પ્રારંભમાં મુંબઇના ભુલેશ્વર વિસ્તારમાં બે રૂમના નાના મકાનમાં આ પરિવાર રહેતો. મુકેશભાઇએ પ્રાથમિક શિક્ષણ પેડર રોડ સ્થિત 'હીલ ગ્રાન્ઝ હાઇસ્કુલ' માં લીધું. ત્યારબાદ કેમિકલ એન્જીનીયરીંગ ઓફ બેચલર ઓફ એન્જીનીયરીંગની પદવી મેળવી.

આગળ વધીને વધુ અભ્યાસ અર્થે મુકેશભાઇ વિદેશ ગયા ત્યારે આ બાજુ ભારતમાં ૧૯૮૦ ના વર્ષમાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીની સરકારે પોલિએસ્ટર ફિલામેન્ટ યાર્નના ઉત્પાદન માટે પ્રાઇવેટ સેગમેન્ટને છૂટ આપતા હરિફ દિગ્ગજો વચ્ચે આ લાયસન્સ મેળવવામાં ધીરૂભાઇ સફળ થયા અને તેમને જરૂર પડી મુકેશભાઇની.

ધીરૂભાઇએ મુકેશભાઇને ભારત પરત બોલાવતા પલભરનો વિલંબ કર્યા વિના અભ્યાસ અધવચ્ચે છોડી. મુકેશભાઇ ભારત પરત આવી ગયા. અહીં પોલિએસ્ટર ફિલામેન્ટ ર્યાનના ઉત્પાદમની પ્રકિયામાં જોડાયા. બસ ત્યારબાદ મુકેશભાઇએ પાછું વળીને જોયું નથી.

મુકેશભાઇના નેતૃત્વમાં જ રિલાયન્સે રિલાયન્સ ઇન્ફો કોમ. લીમીટેડની સ્થાપના કરી... 'કર લો દુનિયા મુઠ્ઠી મેં' સ્લોગન આપી દરેક વ્યકિતને અદ્યતન એવી મોબાઇલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા આકર્ષિક કર્યા.

ત્યારબાદ સૌરાષ્ટ્રનાં જામનગર ખાતે વિશ્વની સૌથી મોટી એવી પેટ્રોલિયમ રિફાઇનરીની સ્થાપના કરવામાં મુકેશભાઇએ મુખ્ય ભૂમિકા ભજવી. કેલેન્ડરના પાના - ફરતા રહ્યા... અને મુકેશભાઇ સફળતાના શિખરો સાથે અગ્નિ પરીક્ષાઓ પણ આપતા રહ્યા.

પિતા ધીરૂભાઇનું અવસાન... બંને ભાઇઓમાં મતભેદને પગલે છૂટા પડવું પડયું... પરંતુ માતા કોકીલાબેનનો સદા નિષ્પક્ષ ટેકો મળતો રહ્યો. પોતાની આગવી સુઝબુઝ અને પિતા પાસેથી શિખવા મળેલ કુનેહ અને અનુભવોના આધારે મુકેશભાઇ સતત આગળ ધપતા ગયા.

રિલાયન્સ  ઇન્ડસ્ટ્રીઝની અદ્ભુત સફળતાબાદ મુકેશભાઇ એ રિલાયન્સ જીઓ દ્વારા ટેલીકોમ ક્ષેત્રમાં પણ અદ્ભુત સિધ્ધિ હાંસલ કરી છે. ટોચની ટેલીકોમ હરિફ કંપનીઓને પાછળ રાખી દઇ ભારતભરના લાખો મોબાઇલ ધારકોને જીઓ તરફ ખેંચી શકયા છે.

આ ઉપરાંત મુકેશભાઇ ઇન્ડીયન પ્રીમીયર લીગ (આઇ. પી. એલ.) હેઠળની ક્રિકેટ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ ર૦-ર૦ ટીમના માલિક પણ છે. જો કે મોટાભાગે એમનું સંચાલન નીતાબેન કરતા હોય છે.

હવે જો આપણે મુકેશભાઇના પારાવારિક જીવનની વાત કરીએ તો તેઓ નીતાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા અને તેમના આ દાંમ્પત્વ જીવન દરમ્યાન બે પુત્ર તથા પુત્રી છે. તેઓ પણ પિતાનો વ્યવસાયમાં મદદરૂપ બને છે.  વિશ્વના ધનિક વ્યકિતઓની હરોળમાં બેસનાર મુકેશભાઇ આજે એટલે કે ૧૯ મી એપ્રિલ ર૦૧૮ ના રોજ ૬૧ વર્ષ પુર્ણ કરી ૬ર માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આ વેળાએ ફરી એકવાર મુકેશભાઇને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ.

(12:00 pm IST)