Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

દેશમાં રોકડા રૂપિયાના જમાખોરો પર ધોસ બોલાવતો ઈન્કમટેક્સ વિભાગ : કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 30-35 જગ્યાઓ પર પડ્યા દરોડા : રોકડ સંકટને નાથવા RBI એ પણ કેશની સપ્લાય વધારી

નવી દિલ્હીઃ હાલમાં ઉભી થયેલ દેશમાં રોકડ રૂપિયાની અછતને પહોચી વળવા કેદ્ર સરકારે કમર કસી છે. આ માટે IT ડિપાર્ટમેન્ટ પણ મેદાનમાં ઉતાર્યું છે અને રોકડ રકમની સંગ્રહખોરી કરતા મોટા માથાઓ પર દરોડા પાડવાનું શરુ થયું હોવાનું જાણવા મળે છે. આ સાથેજ RBIએ પણ કેશ રૂપીયાના સંકટને પહોચી વળવા પુરજોશમાં રોકડની સપ્લાય બેન્કોમાં વધારી દીધી હોવાનું સામે આવી રહ્યું છે.


બુધવારે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 30-35 જગ્યાઓ પર ઈન્કમટેક્સ ઓથોરિટીએ  દરોડા પડ્યા હતા. બિહારમાં ATM નેટવર્ક દ્વારા 800-900 કરોડ રુપિયા બજારમાં ફરતા કરવામાં આવ્યા છે. જોકે, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં રોકડની સમસ્યા વધારે કથળેલી છે, જ્યાં રોકડમાં મોટા વ્યવહારો કરનારની ભૂમિકા ઈનકમટેક્સ ડિપાર્ટમેન્ટના તપાસના રડારમાં છે.

અત્યાર સુધીમા દરોડામાં કેશનું પ્રમાણ વધારે નથી, પણ આવનારા સમયમાં ઓપરેશનને ઝડપી બનાવવામાં આવશે, કારણ કે દેશના ઘણાં ભાગોમાં કેશની સમસ્યા પાછળ 2,000 રુપિયાની નોટોની જમાખોરી મુખ્ય કારણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

એક વરિષ્ઠ અધિકારીએ દેશના એક રાષ્ટ્રીય અખબારને જણાવ્યું છે કે એવી વ્યક્તિઓ અને ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું છે, જેમણે પાછલા સમયમાં મોટા પ્રમાણમાં કેશનો ઉપાડ કર્યો છે.

બે દક્ષિણ રાજ્યોમાં શરુઆતની તપાસમાં એ વાત સામે આવી છે કે મોટા કોન્ટ્રાક્ટર્સ નાના કોન્ટ્રાક્ટર્સને ચેક આપી રહ્યા છે અને પ્રોજેક્ટ પર ખર્ચના નામે કેશ ઉપાડી રહ્યા ચે. કેટલાક કેસોમાં ટેક્સ અધિકારીઓને જાણવા મળ્યું કે ખરેખર કોઈ કામ થયું જ નથી. એક સૂત્રએ ખાનગી રાખવાની શરતે જણાવ્યું, “કેટલાક કેસોમાં ઉપાડને યોગ્ય ન ઠેરવી શક્યા. તેઓ આવક અને ખર્ચની સરખામણી નથી થઈ શકતી. અમારું માનવું છે કે કોઈ ખર્ચ યોજનાને કેશમાં જમા કરવામાં આવી રહી છે.”

(1:24 pm IST)