Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

યોગી સરકારના કેબિનેટ મંત્રી સ્‍વામી પ્રસાદ મૌર્યને માયાવતી સરકારની યાદ આવી ગઇઃ ભરપેટ વખાણ કર્યા

લખનઉઃ યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યને હાલના દિવસોમાં પોતાની જૂની પાર્ટી બહુજન સમાજ પાર્ટી અને પાર્ટીના અધ્યક્ષ માયાવતીની ખુબ યાદ આવી રહી છે. આથી તેઓ છાશવારે પોતાના નિવેદનોમાં તેનો ઉલ્લેખ કરતા રહે છે. સ્વામી પ્રસાદ મૌર્ય માયાવતીનો તો ઉલ્લેખ કરે જ છે પરંતુ તેમના કામના વખાણ પણ કરે છે. આ જ સંદર્ભે તેમણે એકવાર ફરીથી યોગી સરકારની સરખામણી માયાવતી સરકાર સાથે કરી નાખી. બંને સરકારોની સરખામણી કરતા સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું કે માયાવતીની સરકાર વર્તમાન યોગી સરકાર કરતા ખુબ સારુ કામ કરી રહી હતી. તેમણે માયાવતીની સરકારના વખાણ કરતા કહ્યું કે તેમના શાસનકાળમાં ઉત્તર પ્રદેશમાં કાર્યપાલિકા ખુબ સારું કામ કરતી હતી. કાર્યપાલિકા બરાબર કામ કરે તે માટે માયાવતી પોતે તેના ઉપર નજર રાખતી હતી.

મીડિયામાં આ નિવેદનની ચર્ચા થવા લાગી ત્યારબાદ તેમને અહેસાસ થયો કે કદાચ તેમણે વધારે બોલી નાખ્યું. પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે મીડિયાએ તેમની વાતોને ખોટી રીતે રજુ કરી છે. સ્વામી પ્રસાદ મૌર્ય જ્યારે બસપામાં હતાં ત્યારે માયાવતીના ખુબ ખાસ હતાં. બસપા સરકારમાં કેબિનેટ મંત્રી હતાં. પરંતુ 2017 વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે બસપા સાથે છેડો ફાડી નાખ્યો અને ભાજપમાં સામેલ થયા. તેઓ ચૂંટણી પણ જીત્યા અને યોગી સરકારમાં હાલ કેબિનેટ મંત્રી પણ છે.

સ્વામી પ્રસાદ મૌર્યએ બસપા ભલે છોડી દીધી પરંતુ તેઓ પોતાના નિવેદનોમાં બસપા અને માયાવતી સરકારનો હંમેશાથી ઉલ્લેખ કરતા આવ્યાં છે. જ્યારે તેમણે માયાવતી સરકારને યોગી સરકાર કરતા વધુ સારી ગણાવી તો મીડિયાએ તેમને પૂછ્યું કે શું ભાજપથી તમારું મન ભરાઈ ગયું છે? તો તેમણે જવાબમાં કહ્યું કે મારા નિવેદનોને ખોટી રીતે રજુ કરાયા છે. જો કે તેમણે જવાબમાં ફરીથી બસપા સરકારના વખાણ કર્યાં અને સાથે સાથે કેટલીક ખામીઓ પણ જણાવી.

(8:02 pm IST)