Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

યુ-ટ્યુબ ફક્ત મનોરંજનનું સાધન નથી, પરંતુ તે કોઇ વ્‍યક્તિને પરિવાર સાથે મિલન પણ કરાવી શકે છેઃ મણિપુરમાંથી ગુમ થયેલો વ્‍યક્તિ યુ-ટ્યુબના માધ્યમથી ૪૦ વર્ષે પરિવારને મળ્યો

નવી દિલ્‍હીઃ ફેસબુકના માધ્યમથી કોઈ પોતાના સ્વજનને મળ્યું હોવાની વાત તો તમે સાંભળી હશે. પરંતુ યુ-ટ્યુબના માધ્યમથી કોઈને પોતાના સ્વજન મળ્યા હોય તેવું કોઈ કહે તો નવાઈ લાગે. આ બનાવ પરથી કહી શકાય કે યુ-ટ્યુબ ફક્ત મનોરંજનનું સાધન નથી પરંતુ તે કોઈ વ્યક્તિનું તેના પરિવાર સાથે મિલન પણ કરાવી શકે છે. આવા જ એક બનાવમાં 40 વર્ષ પહેલા મણિપુરના ઇમ્ફાલમાંથી ગુમ થયેલા એક વ્યક્તિનું તેના પરિવાર સાથે મિલન થયું છે.

ખોમદરમ ગંભીર સિંહ છેલ્લા 40 વર્ષથી મુંબઈના રસ્તાઓ પર રહેતા હતા. જે કામ મળતું ત્યાં કરી લેતા હતા. જ્યાં ખાવાનું મળતું હતું ત્યાં જમી લેતા હતા. જ્યારે ઊંઘ આવતી ત્યારે જ્યાં ઓટલો મળતો ત્યાં ઊંઘી જતા હતા. તે 40 વર્ષ પહેલા તેના પરિવારને છોડીને ભાગીને મુંબઈ આવી ગયા હતા. તેમના પરિવારે તેની ખૂબ શોધખોળ કરી હતી પરંતુ અંતે એક યુ-ટ્યુબ વીડિયોના માધ્યમથી ખોમદરમ ગંભીર સિંહનું પરિવાર સાથે મિલન થયું હતું.

હકીકતમાં પરિવાર સાથે તેના મિલન પાછળ પણ એક રસપ્રદ કહાણી છે. 65 વર્ષના ખોમદરમ ગંભીર 40 વર્ષ પહેલા પોતાની પત્ની સાથે ઝઘડો કરીને મુંબઈ ભાગી ગયા હતા. મુંબઈમાં તેમણે ફૂટપાથ પર રહીને જીવન ગુજાર્યું હતું. એક દિવસ તેઓ રસ્તા પર આમ જ ભટકી રહ્યા હતા ત્યારે અમુક બાળકો તેને પરેશાન કરી રહ્યા હતા. આ વખતે અહીંથી પસાર થતા એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવીને યુ-ટ્યુબ પર અપલોડ કરી લીધો હતો. આને સંયોગ કહો કે પછી બીજું કંઈ પણ આ વીડિયો ખોમદરમ ગંભીરના સંબંધીઓની નજરે પડ્યો હતો. બાદમાં તેમના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઈમ્ફાલ પોલીસ મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો અને 40 વર્ષ પહેલા ગુમ થયેલા ખોમદરમ ગંભીર સિંહને શોધી કાઢ્યા.

ખોમદરમ ગંભીર સિંહને હાલમાં પાલઘરના વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવ્યા છે. ઇમ્ફાલથી ખોમદરમ ગંભીર સિંહનો પરિવાર બહુ ઝડપથી મુંબઈ આવીને તેને મળી શકશે.

(5:54 pm IST)