Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને ફેક એન્કાઉન્ટર કેસમાં આજીવન કારાવાસની સજા

મુંબઈ :દેશના જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને બોમ્બે હાઈકોર્ટે રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના બનાવટી એન્કાઉન્ટરના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી છે. જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને ગૌરીની ડિવિઝન બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી અન્ય 13 લોકોની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. તેમાંથી એક પ્રદીપ સૂર્યવંશી છે, જેમણે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પણ નામના મેળવી છે.

પ્રદીપ શર્મા અને તેમની ટીમે નવેમ્બર 2006માં મુંબઈના વર્સોવામાં લખન ભૈયાને ફેક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય હતો. આ એન્કાઉન્ટર તપાસમાં નકલી હોવાનું જાણવા મળ્યું છે.

  એડવોકેટ રાજીવ ચવ્હાણના જણાવ્યા અનુસાર લખન ભૈયા અને તેના સાથી અનિલ ભેડાને પોલીસે તેમના વાશીના ઘરેથી ઝડપી લીધા હતા. ત્યાર બાદ 11 નવેમ્બર 2006ના રોજ નકલી એન્કાઉન્ટરમાં તેમને ઠાર માર્યાં હતા.  પોલીસે દાવો કર્યો હતો કે લખન ભૈયા છોટા રાજન ગેંગનો સભ્ય છે. તે સમયગાળા દરમિયાન લખન ભૈયા સામે હત્યા, ખંડણી અને હત્યાના પ્રયાસના અનેક કેસ નોંધાયા હતા. 

  આ કેસમાં લખન ભૈયાના ભાઇ રામપ્રસાદ ગુપ્તાએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આના પર કોર્ટે નકલી એન્કાઉન્ટરના આરોપોની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા. આ કેસની તપાસ કર્યા બાદ મેજિસ્ટ્રેટે 11 ઓગસ્ટ, 2008ના રોજ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં પૂરા પ્લાનિંગ સાથે લખન ભૈયાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. 

   
(6:14 pm IST)