Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું એન્‍કાઉન્‍ટર : ૩૬ લાખનું ઇનામ ધરાવતા ચાર નકસલીને ઠાર કરાયા

છત્તીસગઢ - મહારાષ્‍ટ્ર સરહદે ઓપરેશન

રાયપુર, તા.૧૯: છત્તીસગઢમાં નક્‍સલવાદીઓને મોટો ઝટકો લાગ્‍યો છે. મંગળવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ૩૬ લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા ચાર નક્‍સલવાદી કમાન્‍ડર માર્યા ગયા હતા. મંગળવારે સવારે છત્તીસગઢ અને મહારાષ્‍ટ્રની સરહદ પર આ એન્‍કાઉન્‍ટર થયું હતું.

મળતી માહિતી મુજબ, C60 કમાન્‍ડોને નક્‍સલવાદીઓની હિલચાલની માહિતી મળી હતી, જેના પછી આસપાસના વિસ્‍તારમાં નાકાબંધી કરવામાં આવી હતી અને નક્‍સલવાદીઓને ઘેરી લેવામાં આવ્‍યા હતા.

NK 47 સહિતના હથિયારો મળી આવ્‍યા : બંને તરફથી ગોળીબાર થયો હતો અને એન્‍કાઉન્‍ટરમાં ૪ નક્‍સલવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા નક્‍સલવાદીઓની ઓળખ વર્ગેશ, મંગટુ, કુરસમ રાજુ અને વેંકટેશ તરીકે થઈ છે. સ્‍થળ પરથી એક AK47, એક કાર્બાઈન, બે પિસ્‍તોલ સહિત મોટી માત્રામાં વિસ્‍ફોટક સામગ્રી મળી આવી છે.

કાંકેરમાં પણ નક્‍સલી માર્યો ગયો : આ પહેલા ૪ માર્ચે સમાચાર આવ્‍યા હતા કે છત્તીસગઢ પોલીસે કાંકેરમાં એક નક્‍સલવાદીને માર્યો હતો. જેમાં એક પોલીસકર્મી શહીદ થયો હતો. ઈનપુટના આધારે પોલીસે આ વિસ્‍તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. કાંકેર જિલ્લાના છોટાબેથિયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં સ્‍થિત હિદુર ગામ પાસે સુરક્ષા જવાનોની સંયુક્‍ત ટીમ દ્વારા એક નક્‍સલવાદીને ઠાર કરવામાં આવ્‍યો હતો. પરંતુ ઓપરેશન પોલીસના બસ્‍તર ફાઈટર્સના કોન્‍સ્‍ટેબલ રમેશ કુરેઠી એન્‍કાઉન્‍ટરમાં માર્યા ગયા. તે જ સમયે, ઘટના સ્‍થળેથી એક AK-47 રાઈફલ મળી આવી છે. આ પહેલા કાંકેર જિલ્લામાં નક્‍સલવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાકર્મીઓએ ત્રણ નક્‍સલીઓને ઠાર કર્યા હતા.

એક વર્ષમાં ૩૦૦ થી વધુ હુમલા : ગયા વર્ષે માર્ચમાં લોકસભામાં એક પ્રશ્‍નના જવાબમાં ગળહ મંત્રાલયે છત્તીસગઢમાં નક્‍સલી હુમલાના આંકડા રજૂ કર્યા હતા. આ આંકડાઓ અનુસાર, ૨૦૨૨માં રાજ્‍યની અંદર ૩૦૫ નક્‍સલવાદી હુમલા થયા હતા. અગાઉ, સરકારે સંસદમાં જણાવ્‍યું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી (માત્ર બે મહિનામાં) છત્તીસગઢમાં નક્‍સલવાદી હુમલામાં ૭ જવાન શહીદ થયા હતા. આંકડાઓ અનુસાર, ૨૦૧૩ થી ૨૦૨૨ વચ્‍ચેના ૧૦ વર્ષમાં છત્તીસગઢમાં ૩ હજાર ૪૪૭ નક્‍સલવાદી હુમલા થયા છે. આ હુમલાઓમાં ૪૧૮ જવાનો શહીદ થયા હતા, જ્‍યારે સુરક્ષા દળોએ ૬૬૩ નક્‍સલવાદીઓને ઠાર કર્યા હતા.

 

 

 

(12:41 pm IST)