Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

બાળકનો જન્‍મ થતાં જ દાદાએ ગિફટ કર્યા ૨૪૦ કરોડના શેર

૪ મહિનાનો પૌત્ર બની ગયો અબજોપતિ

નવી દિલ્‍હી,તા. ૧૯: કોઈ વ્‍યક્‍તિને કરોડપતિ અથવા અબજોપતિ બનવામાં વર્ષોના વર્ષો લાગે છે, પરંતુ ગયા વર્ષે ૧૦ નવેમ્‍બર ૨૦૨૩ના રોજ જન્‍મેલું બાળક માત્ર ૪ મહિનામાં અબજોપતિ બની ગયું છે. એક દાદાએ પોતાના પૌત્રને જન્‍મતાની સાથે જ કરોડો રૂપિયાના શેર ગિફટ કર્યા હતા, જેના પછી બાળકની ગણતરી અબજોપતિઓમાં થવા લાગી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે બાળક બીજું કોઈ નહીં પણ ઈન્‍ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિનો પૌત્ર છે. ચાલો તમને જણાવીએ કે નારાયણ મૂર્તિએ બાળકના નામે કેટલા શેર આપ્‍યા છે.

ઇન્‍ફોસિસની એક્‍સચેન્‍જ ફાઇલિંગમાં જાણવા મળ્‍યું છે કે, નારાયણ મૂર્તિએ એકાગ્ર રોહન મૂર્તિને આશરે રૂ.૨૪૦ કરોડના શેર આપ્‍યા છે. આ ટ્રાન્‍સફર પછી એકાગ્રા પાસે દેશની બીજી સૌથી મોટી ટેક કંપની ઈન્‍ફોસિસના ૧૫,૦૦,૦૦૦ શેર હશે.

એક મીડિયા અહેવાલ મુજબ, હવે આ ઓફ-માર્કેટ ટ્રાન્‍સફર પછી નારાયણ મૂર્તિ પાસે લગભગ ૧.૫૧ કરોડ શેર બાકી છે, જે લગભગ ૦.૩૬ ટકા હિસ્‍સો છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર એકાગ્રા કદાચ ભારતનો સૌથી યુવા અબજોપતિ છે.

તમને જણાવી દઈએ કે માત્ર ૨૫૦ કરોડ સાથે ઈન્‍ફોસિસની શરૂઆત ૧૯૮૧માં થઈ હતી. ત્‍યાર બાદ સુધા મૂર્તિએ ઇન્‍ફોસિસને આગળ વધારીને આજે તે ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓમાંની એક છે. આ કંપનીએ કોર્પોરેટ ગવર્નન્‍સ અને સંપત્તિના નિર્માણ માટે લોકશાહીકરણ માટે એક નવો દાખલો આપ્‍યો છે.

૨૫ વર્ષથી વધુ સમય સુધી ઇન્‍ફોસિસ ફાઉન્‍ડેશનનું નેતૃત્‍વ કર્યા પછી, નારાયણ મૂર્તિ ડિસેમ્‍બર ૨૦૨૧માં તેમની ભૂમિકામાંથી નિવૃત્ત થયા અને તેમના પરિવારના ફાઉન્‍ડેશન દ્વારા ધાર્મિક કાર્યો પર કામ કરવાનું ચાલુ રાખ્‍યું. તેમણે તાજેતરમાં જ રાજયસભામાં સંસદ સભ્‍ય તરીકે શપથ લીધા છે. ફોર્બ્‍સ અનુસાર, નારાયણ મૂર્તિની કુલ સંપત્તિ ૩૫,૮૦૦ કરોડ રૂપિયા છે. તેઓ ઈન્‍ફોસિસના સહ-સ્‍થાપક છે, જેની માર્કેટ કેપ રૂ.૫.૭૦ લાખ કરોડ છે.

(10:44 am IST)