Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

પીએમ મોદી ૧૨૦ કલાકના દક્ષિણ વિજય અભિયાન પર

પીએમ મોદીનું ‘મિશન દક્ષિણ' :૪૦૦ પાર કરવાનું સૂત્ર ત્‍યારે જ સાકાર થશે જ્‍યારે ભાજપ દક્ષિણનો કિલ્લો પણ જીતી લેશે

નવી દિલ્‍હી,તા. ૧૯: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ પીએમ મોદી સહિત અન્‍ય તમામ વિપક્ષી પાર્ટીઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રેલીઓનો દોર ચાલુ છે ઈન્‍ડિયા એલાયન્‍સે મુંબઈમાં રેલી યોજી હતી જયારે પીએમ મોદી ૧૨૦ કલાકના દક્ષિણ વિજય અભિયાન પર છે. ભાજપ ૪૦૦ પાર કરવાના સ્‍લોગનને પૂર્ણ કરવા માટે તમામ શક્‍ય પ્રયાસો કરી રહી છે. ૪૦૦ પાર કરવાનું સૂત્ર ત્‍યારે જ સાકાર થશે જયારે ભાજપ દક્ષિણનો કિલ્લો પણ જીતી લેશે. તેમાં ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે.

ભાજપ આ રાજયોમાં સીટો વધારવાનો પ્રયાસ કરી રહી છે તો જ ૪૦૦ને પાર કરવાનું મિશન પૂર્ણ થશે. આ વખતે ભાજપને આ ત્રણેય રાજયોમાં ખાતા ખોલવાની આશા છે. આ માટે પીએમ મોદીએ પૂરા પ્રયાસો કર્યા છે અને છેલ્લા ૭૭ દિવસોમાંથી તેમણે ૨૩ દિવસ દક્ષિણના રાજયોમાં વિતાવ્‍યા છે.

જો આંકડાઓ પર નજર કરીએ તો દક્ષિણના રાજયોમાં લોકસભાની ૧૨૯ બેઠકો છે. જેમાંથી ૨૦૧૯માં ભાજપે માત્ર ૨૯ બેઠકો જીતી હતી જયારે વિપક્ષે ૧૦૦ બેઠકો જીતી હતી. કર્ણાટકમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું હતું, જયાં તેણે ૨૮માંથી ૨૫ બેઠકો જીતી હતી. તેણે તેલંગાણામાં પણ સારું પ્રદર્શન કર્યું અને ૧૭ માંથી ૪ બેઠકો જીતી. પરંતુ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળમાં બીજેપીનું ખાતું ખૂલ્‍યું ન હતું.

આ વખતે પીએમ મોદી પોતે દક્ષિણના ત્રણ રાજયો જીતવા માટે ૧૨૦ કલાકના મિશન પર છે. પીએમ મોદીએ શુક્રવારે આ મિશનની શરૂઆત કરી હતી. તેમણે રવિવારે આંધ્ર પ્રદેશના પલાનાડુમાં તેમની પ્રથમ રેલી યોજી હતી. આજે તેમની બીજી રેલી તેલંગાણાના જગતિયાલમાં યોજાઈ હતી. થોડા સમય પહેલા તેણે કર્ણાટકના શિવમોગામાં રેલી કરી હતી. તેમનો ચોથો કાર્યક્રમ કોઈમ્‍બતુરમાં છે જયાં તેઓ આજે સાંજે રોડ શો કરવાના છે. આવતીકાલે તેઓ કેરળના પલક્કડમાં રોડ શો કરશે. આ પછી તેમની છઠ્ઠી રેલી તમિલનાડુના સાલેમમાં યોજાશે. આ હાઈ-પ્રોફાઈલ રેલીઓ પરથી સમજી શકાય છે કે દક્ષિણમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે તેઓ કેટલી શક્‍તિ લગાવી રહ્યા છે.

(10:38 am IST)