Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

અમેરિકામાં કોરોનાથી વધુ પાંચના મોત : દહેશત વધી

૧૯૯ કેસો સપાટી ઉપર આવતા ખળભળાટ : રિકવર લોકોની સંખ્યા ૧૦૮ થઇ : અમેરિકામાં બે સાંસદો પણ કોરોનાના સકંજામાં આવ્યા : સાવચેતીના બધા પગલા

વોશિંગ્ટન, તા. ૧૯ : ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસની શરૂઆત થયા બાદથી હવે તે વૈશ્વિક રોગ તરીકે છે. ચીનમાં જ્યાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે અમેરિકા સહિતના દુનિયાના દેશોમાં કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં બે સાંસદ પણ કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે. અમેરિકામાં આના લીધે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૧૫૫ ઉપર પહોંચી ચુકી છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૯ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં પાંચ લોકોના મોત અમેરિકામાં થયા છે. ગંભીરરીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા ૬૪ ઉપર પહોંચી છે. અમેરિકા જેવા કુશળ ટેકનોલોજી ધરાવતા દેશોની સંખ્યામાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે.

        અમેરિકી સેનેટે કોરોના વાયરસના કારણે સર્જાયેલા સંકટમાં અમેરિકી કર્મચારીઓની મદદ માટે ૧૦૦ અબજ ડોલરના પેકેજને મંજુરી આપી દીધી છે. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના ફ્લોરિડાથી કોંગ્રેસી સભ્ય મારિયો ડીયાઝ પહેલા અમેરિકી સાંસદ છે જે વાયરસથી અસરગ્રસ્ત થયેલા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તેમને તાવ અને માથામાં દુખાવાની ફરિયાદ રહી હતી. બુધવારના દિવસે ટેસ્ટ કરવામાં આવ્યા બાદ ટેસ્ટ પોઝિટિવ રહેતા ચર્ચા રહી છે. ગયા શનિવારના દિવસે ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય અને સાંસદ બેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમને તાવ અને શરદીના લક્ષણ દેખાયા હતા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના દિવસે આરોગ્ય ઇમરજન્સીની જાહેરાત કરી હતી.

        અમેરિકી સેનેટે કોરોના વાયરસના કારણે સર્જાયેલા સંકટ વચ્ચે અમેરિકી કર્મચારીઓની મદદ માટે ૧૦૦ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. ટ્રમ્પના હસ્તાક્ષર બાદ આને અમલી કરી દેવામાં આવશે. બીજી બાજુ ફ્રાંસના પ્રમુખ મેક્રો દ્વારા  પણ કોરોના વાયરસથી થઇ રહેલા આર્થિક નુકસાનથી પહોંચી વળવા માટે યુરોઝોનમાં નાણાંકીય એકતા વધારવા માટે અપીલ કરી છે. ચીલીના પ્રમુખે પણ કોરોનાને લઇને પેકેજની જાહેરાત કરી છે. બ્રાઝિલના પ્રમુખે પણ પ્રકારના પગલાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી વિમાની કંપની ક્વાન્ટાસ દ્વારા પોતાની ઇન્ટરનેશનલ સેવા બે મહિના માટે રોકવાની જાહેરાત કરી છે. વર્જિન કંપનીએ પણ આવી જાહેરાત કરી છે.

અમેરિકામાં કોરોના....

વોશિંગ્ટન, તા. ૧૯ : અમેરિકામાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૫ નવા કેસો નોંધાઈ ચુક્યા છે. રિકવર થયેલા લોકોની સંખ્યા ૧૦૮ છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા પણ ખુબ મોટી રહેલી છે. અમેરિકામાં અન્ય દેશોની સરખામણીમાં છેલ્લા કેટલાક દિવસમાં કેસોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થયો છે. ઇમરજન્સીની જાહેરાત પણ કરાઈ છે. ઘણા રાજ્યોમાં સ્કુલો પણ બંધ રાખવામાં આવી રહી છે. સ્થિતિને સુધારવાના તમામ પ્રયાસો જારી છે. અમેરિકામાં કોરોનાનું ચિત્ર નીચે મુજબ છે.

કુલ કેસો

૯૪૫૮

છેલ્લા ૨૪ કલાકમાં કેસો

૧૯૯

કુલ મોતનો આંકડો

૧૫૫

છેલ્લા ૨૪ કલાકમાં મોત

૦૫

રિકવર થયેલા લોકો

૧૦૮

એક્ટિવ કેસોની સંખ્યા

૯૧૯૫

ગંભીર કેસોની સંખ્યા

૬૪

(7:51 pm IST)