Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ફોરજી ઇન્ટરનેટ સેવા તરત જ શરૂ કરવાની ફારુક અબ્દુલ્લાની માંગણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત : ટુજી ઇન્ટરનેટ સ્પીડના લીધે વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં

શ્રીનગર, તા. ૧૯ : નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને શ્રીનગરમાંથી સંસદ સભ્ય ફારુક અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જમ્મુ કાશ્મીરમાં હાઈસ્પીડ ફોરજી ઇન્ટરનેટ સર્વિસ તરત ફરી શરૂ કરવાની માંગ કરી છે. ફારુક અબ્દુલ્લાએ પત્રમાં રજૂઆત કરતા કહ્યું છે કે, ગઇકાલે કાશ્મીરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સપાટી ઉપર આવી ચુક્યો છે. સત્તાવાળાઓ દ્વારા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અને ખીણમાં લોકડાઉનના પરિણામ સ્વરુપે સ્થિતિ સર્જાઈ છે. સાત મહિના સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા બાદ ગયા સપ્તાહમાં ફારુક અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યા હતા. પત્રમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે, પાંચમી ઓગસ્ટ ૨૦૧૯ બાદથી શટડાઉનના પરિણામ સ્વરુપે કારોબારીઓ અને વેપારીઓને તેમજ વિદ્યાર્થીઓને ભારે નુકસાન થઇ રહ્યું છે.

           અનેક નિયંત્રણોના કારણે ભારે નુકસાન થઇ રહ્યું છે. ટુજી ઇન્ટરનેટ સ્પીડની સાથે ઘણી બધી બાબતો શક્ય દેખાઈ રહી નથી. ઘરેથી કામ કરવા અને અભ્યાસ કરવા માટે લોકો અને વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે પરંતુ ટુજી ઇન્ટરનેટ સ્પીડથી તમામ બાબતો શક્ય દેખાઈ રહી નથી. મર્યાદિત ફિસ્ક્ડ લાઈનની ઇન્ટરનેટના લીધે ઘણી તકલીફ થઇ રહી છે. આજ કારણસર જમ્મુ કાશ્મીરમાં શક્ય તેટલી વહેલીતકે ફોરજી ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટેની જરૂર દેખાઈ રહી છે. વહેલી તકે સેવા શરૂ થવાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદથી હાઈસ્પીડ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી ચુકી છે. ધીમીગતિથી ઇન્ટરનેટ સેવા ચાલી રહી છે જેથી વિદ્યાર્થીઓ અને કારોબારીઓ ખુબ પરેશાન થયેલા છે. મુદ્દો હવે ફારુક અબ્દુલ્લાએ વડાપ્રધાન સમક્ષ ઉઠાવ્યો છે. સાથે સાથે ફોરજીની માંગણી કરી છે.

(7:50 pm IST)